EESL અને AMC સંયુક્ત રીતે અમદાવાદમાં 100 જેટલા જાહેર ચાર્જિંગ સ્ટેશન સ્થાપી ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપશે
અમદાવાદ:
ભારત સરકારના પાવર મંત્રાલય હેઠળનું સંયુક્ત સાહસ કંપની એનર્જી એફિસિયન્સી સર્વિસીસ લિમિટેડ (EESL) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વચ્ચે આજે શહેરમાં ઇલેક્ટ્રીક વાહનો માટે 100 જેટલા ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટેના કરાર થયા હતા. આ કરાર અંતર્ગત આગામી 10 વર્ષના સમયગાળા દરમિયાન AMC વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ (EV) માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરશે. આ ઉપરાંત AMCના વિસ્તારોમાં ભાડા અને ખરીદીને આધારે ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહિત કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા મેનપાવર દ્વારા જાહેર ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઓપરેશન અને મેઇન્ટેનન્સ સહિત એમઓયુ સંબંધિત સેવાઓનું સંપૂર્ણ રોકાણ EESL દ્વારા કરવામાં આવશે. જ્યારે AMCએ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે સ્થળની ફાળવણી કરવી અને ચાર્જિંગ માળખા માટે આવશ્યક પાવર કનેક્શનની જોગવાઈની સાથે લોડ સેન્શન અને મીટર જોડાણ સહિતની બાબતો સંભાળશે.
કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળશે
1.
આ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સની મદદથી, AMCને પ્રતિવર્ષ કાર દિઠ 4.46 ટનથી પણ વધુ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં મદદ મળશે. ઇવીના ઉંડાણપૂર્વકના વિસ્તરણની સાથે, સ્થાનિક સ્તરના પ્રદુષણ ઉત્સર્જનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી જાહેર જનતા માટે સ્વચ્છ હવા મળતા ઘણા આરોગ્યના લાભો મળશે.
દેશભરમાં 286 એસી અને 142 ડીસી ચાર્જિંગ સ્ટેશન સ્થપાયા
2.
EESLના ડિરેક્ટર (પ્રોજેક્ટ્સ) વેન્કટેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ એ એક ટકાઉ ભવિષ્યની તરફ આગળ વધવાના વૈશ્વિક એજન્ડામાં સૌથી અગ્રણી છે. EESLએ ભારત સરકારના ‘રાષ્ટ્રિય ઇમોબિલિટી મિશન’ હેઠળ ભારતમાં ઇવીના પ્રોત્સાહન માટે પહેલ કરવામાં અગ્રણી છે. ઇ-કારના ચાર્જિંગ માટે 286 એસી અને 142 ડીસી ચાર્જર સ્ટેશન બનાવવામાં આવ્યા છે. અમે પીએસયુ, સરકારી ખાતા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગના રાજ્ય સરકારની સાથે પણ કરાર કર્યા છે.
જાહેર ચાર્જિંગ સ્ટેશનના કારણે ઇવી માટે ઇકોસિસ્ટમ બનશે
3.
ભારતમાં ઘણા રાજ્યો એવા છે, જેમણે તેમના રાજ્યોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહિત કરવા માટે પોલિસી જાહેર કરી છે. ગુજરાત સરકાર પણ ઇવીના ઉપયોગને પ્રોત્સાહિત કરવાની નીતિ બનાવવા માટે કામગીરી કરી રહી છે. જાહેર ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના રાજ્યમાં એક ટકાઉ ઇવી ઇકોસિસ્ટમ સ્થાપવા માટેના કાયદાકીય પ્રયાસોને મદદ કરશે.