જૂના સેક્ટરમાં ઓછા ફોર્સથી પાણી મળતાં લોકો પરેશાન
ગાંધીનગર :
ગાંધીનગર શહેરના જૂના સેકટરોમાં ઓછા ફોર્સથી પાણી આવવાની સમસ્યા ઉભી થઇ છે. જ્યારે કેટલાક વિસ્તારોના બ્લોકમાં પૂરતું પાણી આવતુ નથી તેવી ફરિયાદ ઉઠી છે. ત્યારે નગરના રાજધાની વસાહત સેવા મંડળ અને સ્થાનિક નાગરિકો દ્વારા જૂના સેકટરમાં અવાર નવાર ઉભી થતી ઓછા ફોર્સથી આવતા પાણીની સમસ્યા નિવારવા માટે પાણીની ટાંકી બનાવવાની માંગ કરાઇ છે. જેથી ઓછા ફોર્સથી આવતા પાણીની સમસ્યાનો કાયમ માટે ઉકેલ આવી શકે.
ગાંધીનગરના સ્થાપના સમયથી જૂના સેકટરોમાં મોટી સંખ્યામાં નાગરિકો વસવાટ કરે છે. પરંતુ જૂના સેકટરોમાં પાટનગર યોજના વિભાગ દ્વારા અપાતો પાણી પુરવઠાનો ફોર્સ ખુબ જ ઓછો હોય છે. ભર ઉનાળે ગૃહણીઓને પાણી માટે મુશ્કેલી વેઠવી પડે છે. રાજધાની વસાહત સેવા મંડળા પ્રમુખ રજુજી ગોલે જણાવ્યું હતું કે, સરકાર કહે છે કે 24 કલાક પાણી આપીશું અને વધારે ફોર્સથી પાણી મળશે. જેથી ત્રીજા માળે રહેતા રહિશો વધુ ફોર્સની પાણી મળી રહેશે. પરંતુ વર્ષોથી પુરતા ફોર્સથી પાણી ન આવવાની ફરિયાદો ઉભી થઇ છે. વસાહતીઓને પીવાનું પાણી પણ બહારની ચોકડીમાંથી ભરવુ પડે છે. જૂના સેકટરોમાં વસ્તી મુજબ પાણીની વ્યવસ્થા માટે ટાંકી બનાવવામાં આવે તો દરેક ઘરને પુરતા ફોર્સથી પાણી મળી શકે. ગાંધીનગર શહેર બન્યાને વર્ષો વિતવા છતાં પાણીની સમસ્યા વધી રહી છે. અત્યાર સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે આ સમસ્યાનું ત્વરીત નિરાકરણ કરવામાં આવે તેવી લોકો માગણી કરી રહ્યા છે.