ગાંધીનગરમાં 27 જેટલા સ્થળે ઈન્કમટેક્સના દરોડા, બિલ્ડર લોબીમાં ફફડાટ
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બિલ્ડર ગ્રૂપ પર ઈન્કમટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે. એકસાથે 27 જેટલા સ્થળોએ ઈન્કમટેક્સ વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીએસવાય ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા છે. હાલ ઈન્કમટેક્સના અધિકારીઓ ઓફિસો અને નિવાસ્થાને તપાસ કરી રહ્યા છે. ગુજરાતમાં અગાઉ પણ અનેક બિલ્ડરો પર ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે ત્યારે આજે ગાંધીનગરમાં પીએસવાય બિલ્ડર ગ્રૂપ પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ આ દરોડાની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. ગાંધીનગરના સેક્ટર 8 અને સેક્ટર 21 સહિતના 27 જેટલા સ્થળોએ ઈન્કમટેક્સના દરોડા પડતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં પીએસવાય એ સૌથી મોટું બિલ્ડર ગ્રૂપ છે જેના પર ઈન્કમટેક્સ વિભાગે કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ બંકિમ જોશી, નિલય દેસાઈ અને વિક્રાંત પુરોહિતની ઓફિસો અને નિવાસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે જે પીએસવાય ગ્રૂપના બિલ્ડરો છે. હાલ આઈટીના અધિકારીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.