કેન્દ્ર સરકારે રૂપિયા 12,343 કરોડના રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી
આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ રેલવે મંત્રાલયના છ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેની અંદાજિત કિંમત અંદાજે 12,343 કરોડ રૂપિયા છે. કેન્દ્ર સરકારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. મંત્રીમંડળ સમિતિ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવામાં આવેલા વિવિધ નિર્ણયોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે,
‘રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે અને વ્યસ્ત માર્ગો પર ભીડ ઘટશે. આ પ્રોજેક્ટ્સ વાણિજ્ય તેમજ કનેક્ટિવિટીમાં સુધારો કરશે.’ કેન્દ્ર સરકારે ‘ફિશરીઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ’ (FIDF) ને નાણાકીય વર્ષ 2025-26 સુધી લંબાવવાનું નક્કી કર્યું છે, જેમાં 7,522.48 કરોડ રૂપિયાના પહેલાથી જ મંજૂર ફંડ અને 939.48 કરોડ રૂપિયાનું બજેટ સમર્થન છે.