બિહારમાં આજે નીતિશ કુમારની અગ્નિ પરીક્ષા
બિહારમાં કોંગ્રેસ અને આરજેડી સાથે છેડો ફાડીને ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવા જઇ રહેલા નીતિશ કુમારે ૧૨મી તારીખે વિધાનસભામાં અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડશે. સોમવારે બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે બહુમત સાબિત કરવી પડશે. જોકે આ દરમિયાન એવા દાવા થઇ રહ્યા છે કે જદ(યુ)ના જ કેટલાક ધારાસભ્યો નીતિશ કુમારના કહ્યામાં નથી, તેથી સોમવારે વિશ્વાસમત દરમિયાન કઇ પણ થઇ શકે છે. હાલ ભાજપ, જદ(યુ), આરજેડી, કોંગ્રેસ એમ તમામ પક્ષો પોતાના ધારાસભ્યોને એક રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ડિનરના બહાને એક જગ્યાએ જ એકઠા કરી લીધા છે. ભાજપના તમામ ધારાસભ્યોને બિહારના બોધગયાના એક રિસોર્ટમાં રખાયા હતા, જ્યાંથી તેઓને રાજધાની પટના રવાના કરાયા છે. જદ(યુ)ના ધારાસભ્યો માટે મંત્રી શ્રવણ કુમારે પોતાના નિવાસ પર ડિનરનું આયોજન કર્યું હતું જેમાં તમામ ૪૫ ધારાસભ્યોને હાજર રહેવા કહેવામાં આવ્યું હતું, પણ એવા અહેવાલો છે કે માત્ર ૩૯ ધારાસભ્યો જ ડિનર માટે પહોંચ્યા હતા, અન્ય ધારાસભ્યો કેમ નથી આવ્યા તેને લઇને અનેક અટકળો ચાલી રહી છે. આરજેડીના નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે નીતિશ કુમાર બહુમત સાબિત નહીં કરી શકે. કોંગ્રેસના ધારાસભ્યોને તેલંગણામાં રખાયા હતા જ્યાંથી તેઓને પટના લાવવામાં આવ્યા છે. આરજેડીના તમામ ધારાસભ્યો તેજસ્વી યાદવના નિવાસ પર એકઠા થયા છે. એવામાં ઝારખંડના મંત્રી આલમગીર આલમે દાવો કર્યો છે કે બિહારની વિધાનસભામાં બહુમત સાબિત કરવી નીતિશ કુમાર માટે સરળ નહીં રહે. એનડીએ માટે પણ કપરો સમય છે.