ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો અમે ખેડૂતોને એમએસપીની ગેરંટી આપીશું: રાહુલ ગાંધી
ખેડૂતોના ‘દિલ્હી ચલો’ વિરોધ માર્ચમાં સામેલ પ્રદર્શનકારીઓએ મંગળવારે અંબાલામાં શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા બેરિકેડને તોડવાનો પ્રયાસ કર્યો છે. આ કારણે ટોળાને વિખેરવા માટે હરિયાણા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. દિલ્હી પહોંચવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતોના ઉગ્ર વિરોધ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં પોસ્ટ કરી છે.રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું કે ખેડૂત ભાઈઓ આજે એક ઐતિહાસિક દિવસ છે. કોંગ્રેસે દરેક ખેડૂતને પાક પર સ્વામીનાથન કમિશન પ્રમાણે એમએસપીની કાનૂની ગેરંટી આપવાનો નિર્ણય કર્યો છે. આ પગલું 15 કરોડ ખેડૂત પરિવારોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરીને તેમના જીવનમાં પરિવર્તન લાવશે. ન્યાયના માર્ગ પર કોંગ્રેસની આ પહેલી ગેરંટી છે.છત્તીસગઢ પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અંબિકાપુરમાં કહ્યું કે જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો અમે ખેડૂતોને એમએસપીની ગેરંટી આપીશું, આ માત્ર અમારી શરૂઆત છે. તેમણે કહ્યું કે આજે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. તેમને રોકવામાં આવી રહ્યા છે, તેમના પર અશ્રુવાયુના સેલ છોડવામાં આવી રહ્યા છે. તે શું કહી રહ્યા હતા? તેઓ ફક્ત પોતાના પરિશ્રમનું ફળ માગી રહ્યા છે.