જૂની પેન્શન યોજના સહિત અન્ય માંગોને લઈ કર્મચારીએ 6 માર્ચે પેન ડાઉનનું આપ્યું અલ્ટિમેટમ
ગુજરાતમાં કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકાર સામે મોરચો માંડયો છે. જૂની પેન્શન યોજના સહિત અન્ય પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સાથે સમાધાન ન થતા કર્મચારીઓ હવે લડત લડવાના મૂડમાં છે. ચોથી માર્ચ સુધી પ્રશ્નો હલ કરવા સરકારને અલ્ટીમેટમ અપાયુ છે.ફિક્સ પગાર સિસ્ટમ નાબૂદ કરવા, જૂની પેન્શન યોજનાનો અમલ કરવો સહિતના પ્રશ્ન મુદ્દે કર્મચારીઓ સરકાર સમક્ષ રજૂઆત જ નહીં, આંદોલન કર્યા પછીય કોઇ ઉકેલ આવી શક્યો નથી. 14મી અને 15મીએ કર્મચારીઓ કાળા વસ્ત્રો પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ ઉપરાંત 23મીએ કર્મચારીઓએ પાટનગરમાં સામૂહિક ધરણાં યોજીને પણ વિરોધ દર્શાવ્યો હતો. જૂની પેન્શનનો અમલ કરવા માટે કર્મચારી મહામંડળે ચોથી માર્ચ સુધી અલ્ટીમેટમ આપ્યુ છે. જો સરકાર પ્રશ્નનો હલ ન લાવે તો છઠ્ઠી માર્ચે રાજ્યમાં તમામ સરકારી ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે જેથી પંચાયતોથી માંડીને નગરપાલિકામાં જન્મ મરણના દાખલા સહિત ટેક્સ સહિતની કામગીરી અટવાઇ પડશે. કર્મચારીઓ પેન ડાઉનનુ એલાન કર્યુ છે. બધાય સરકારી કર્મચારીઓ કામગીરીથી અળગા રહેશે.