દેશમાં લોકસભા ચૂંટણી પહેલાં CAA લાગુ, ત્રણ દેશોના શરણાર્થીઓને મળશે નાગરિકતા
આગામી લોકસભા ચૂંટણીની તારીખોની થોડા જ દિવસોમાં જાહેરાત થઈ શકે છે. તેવામાં આજે (સોમવાર) કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા માટે નોટિફિકેશન જાહેર કરાઈ છે. આમ, આજે જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો સત્તાવાર રીતે લાગુ થઈ જશે. સીએએ લાગુ થવાથી ભારતના ત્રણ પાડોશી દેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકશે. તો બીજી તરફ સીએએ લાગુ થતા દેશભરમાં પોલીસ અલર્ટ થઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશ સરકારે પોલીસ વિભાગની તમામ રજાઓ રદ્દ કરી દીધી છે. રજાઓ ગાળવા ઘરે ગયેલા તમામ જવાનોને પરત બોલાવી લેવાયા છે. તો નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં પણ સુરક્ષા વધારી દેવાઈ છે. મહત્ત્વનું છે કે, સીએએ બંને ગૃહોમાંથી પાસ થયાને પાંચ વર્ષનો સમય વિતી ચૂક્યો છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા દેશભમાં સીએએ લાગુ કરાયો છે.