ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડશે, ઓડિશા અને તેલંગાણામાં હીટ વેવની ચેતવણી
બે દિવસના વરસાદી વાતાવરણ પછી હવે દિલ્હી સહિત અનેક વિસ્તારમાં તડકો જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગરમીમાં થોડી રાહત જોવા મળી શકે છે. આ સમગ્ર સપ્તાહમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી ઉપર જાવાની કોઇ સંભાવના નથી. હવામાન વિભાગે ગુજરાત સહિત દિલ્હી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં 18 થી 20 એપ્રિલ સુધી ગાજવીજ અને વીજળી સાથે ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. IMD એ આગાહી કરી છે કે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 18 થી 21 એપ્રિલ સુધી ગાજવીજ, વીજળી અને તીવ્ર પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ચાર રાજ્યોમાં હીટવેવની ચેતવણી જારી કરી છે.દિલ્હીના લોકોને થોડા દિવસો સુધી આકરી ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે દિલ્હીમાં વધુ બે દિવસ સુધી તોફાન અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન પવનની ગતિ 25 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહેવાની સંભાવના છે અને આગામી બે દિવસ સુધી હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે 19 અને 20 એપ્રિલે દિલ્હીમાં ભારે પવન સાથે હળવા વરસાદની ચેતવણી જારી કરી છે.