CM તરીકે અંતે રૂપાણીનો વિજય, નીતિન પટેલ ડેપ્યુટી CM : 40 મિનિટમાં અમિત શાહે પાડ્યો ખેલ!
અમદાવાદઃ આનંદીબહેન પટેલના રાજીનામા બાદ રાજ્યના નવા મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી નક્કી થયા છે. તેઓ રાજ્યના 16મા મુખ્યમંત્રી બનશે. ગુજરાતમાં ભાજપ શાસનમાં પહેલીવાર નાયબ મુખ્યમંત્રી બનશે. છેલ્લા કેટલાય સમયથી નવા સીએમ તરીકે જેમનું નામ નક્કી જ માનવામાં આવતું હતું તે નિતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવાનું પાર્ટીએ નક્કી કર્યું છે. કહેવાય છે કે, નીતિન પટેલના ચાલતા નામની વચ્ચે છેલ્લી 40 મિનિટમાં અમિત શાહે ખેલ પાડી દીધો હતો.
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે યોજાયેલી વિધાનસભા પક્ષની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતાં કેન્દ્રીય નિરીક્ષક નિતિન ગડકરીએ જણાવ્યું કે, બે કેન્દ્રીય નેતાઓ વી સતીશ અને ડૉ. દિનેશ શર્માએ રાજ્યના 15 જેટલા વરિષ્ઠ નેતાઓ, ધારાસભ્યો, સાંસદો વગેરે સાથે વાતચીત, વિચાર-વિમર્શ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે પણ મસલત કરી હતી તે પછી પક્ષે નિર્ણય લીધો છે.
શાહ અને બેનની ખેંચતાણ વચ્ચે દિલ્હીથી આવ્યો આદેશ
છેલ્લી ઘડી સુધી મુખ્ય મંત્રી તરીકે નીતિન પટેલના નામ ચાલતું હતું ત્યારે સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર છેલ્લી 40 મિનિટમાં જ અમિત શાહે ખેલ પાડી દીધો હતો. નવા મુખ્યમંત્રીની જાહેરાત પહેલાં કમલમ ખાતે અમિત શાહ, આનંદીબેન પટેલ, નીતિન પટેલ, નીતિન ગડકરી, વી. સતિષ એક અલગ રૂમમાં મળ્યા હતા. અમિત શાહે વિજય રૂપાણી અને આનંદીબેને નીતિન પટેલનો આગ્રહ રાખ્યો હતો. આ ખેંચતાણ વચ્ચે વી. સતીષે બહાર નીકળીને પીએમઓમાં ફોન કર્યો હતો. દિલ્હીથી મળેલો આદેશ લઈને તેઓ ફરીથી બેઠકમાં ગયા હતા. દિલ્હીથી છૂટેલા આદેશમાં અમિત શાહ બેન પર ભારે પડ્યાં હતા.
રૂપાણીના નામની કેવી રીતે પસંદગી કરવામાં આવી?
વિધાનસભા પક્ષની બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જ વિજય રૂપાણીનું નામનો વિધાનસભા પક્ષના નેતા અને નવા મુખ્યમંત્રી તરીકે અને નિતિન પટેલના નામનો નાયબ નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેના 10 ધારાસભ્યોએ સમર્થન આપ્યું. આ બંને સિવાય અન્ય કોઈના નામનો પ્રસ્તાવ આવ્યો નહોતો. આ બંનેની પક્ષે સર્વાનુમતે વરણી કરી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નવા સીએમ તરીકે નિતિન પટેલનું જ નામ ચાલ્યું અને ખુદ નિતિન પટેલે પણ પોતે મુખ્યમંત્રી બનવાના છે તે રીતે નિવેદન અને મિડીયાને મુલાકાતો આપી તો છેલ્લી ઘડીએ વિજય રૂપાણીના નામની કેવી રીતે પસંદગી કરવામાં આવી?
પસંદગીની પ્રક્રિયા સંપૂર્ણપણે લોકશાહી ઢબે થઈ: ગડકરી
ઉપરાંત, વિજય રૂપાણીએ અગાઉ પોતે સંગઠનની જવાબદારીથી સંતુષ્ઠ હોવાનું કહી પોતે સીએમના દાવેદાર નથી તેવી સ્પષ્ટતા કરી તેનું શું? તે પ્રશ્નોનો જવાબ આપતાં નિતિન ગડકરીએ કહ્યું કે, જુદા જુદા નામની અટકળો કરવી તે મિડિયાનો અધિકાર છે. પરંતુ બંને નેતાઓના નામની પસંદગીની પ્રક્રિયા સંપૂર્ણપણે લોકશાહી ઢબે થઈ છે. વળી, મને જે માહિતી અને ફીડબેક મળ્યા તે પછી મેં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મસલત કરી હતી.
આ બંને નેતા 2017માં ભાજપને ભવ્ય જીત અપાવશેઃ નીતિન ગડકરી
મુખ્યમંત્રીની જાહેરાત બાદ પત્રકારોને સંબંધતા નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ‘મોદીનું નેતૃત્વ અને આનંદીબેનની વિરાસત વિજય રૂપાણી અને નીતિન પટેલને મળી છે. તેઓ સંગઠન અને સરકાર બંને વચ્ચે સંકલન સાધશે, બંનેના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થશે. 2012માં ભાજપને મળેલી જીત કરતા પણ ભવ્ય જીત આ બંનેના નેતૃત્વમાં થશે.’
22 વર્ષ પછી ફરીથી ગુજરાતમાં ડેપ્યુટી CM
રાજ્યમાં 22 વર્ષ પછી પહેલીવાર નાયબ મુખ્યમંત્રી બનવાના છે. વળી, કેશુભાઈ પટેલથી આનંદીબહેન પટેલની ભાજપ સરકારોમાં પણ આ પહેલીવાર પક્ષે નાયબ મુખ્યમંત્રીની નિયુક્તી કરી છે. ગુજરાતમાં અગાઉ માત્ર એક જ વખત નાયબ મુખ્યમંત્રી બન્યા છે. ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી પદે હતા ત્યારે જ તેમનું અવસાન થતાં તેમના સ્થાને 17મી ફેબ્રુઆરી, 1994ના દિવસે છબિલદાસ મહેતાને મુખ્યમંત્રી બનાવાયેલા. તેમની સાથે નરહરી અમિન અને સી ડી પટેલ એમ બે ડેપ્યુટી સીએમ નિયુક્ત થયેલા.
રવિવારે સવારે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ
ભાજપ વિધાનસભા પક્ષમાં વિજય રૂપાણીને નેતા અને નિતિન પટેલને નાયબ નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હોવાના ઠરાવને હવે રાજ્યપાલ સમક્ષ રજૂ કરવામાં આવશે. શનિવારે સવારે 11 વાગ્યે ભાજપના નેતાઓ આ પત્ર લઈ રાજભવન જશે જેના પગલે રાજ્યપાલ સરકાર રચવાનું આહ્વાન કરશે. રવિવારે સવારે 11 વાગ્યે મહાત્મામંદિરમાં નવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમના મંત્રીમંડળ સાથે શપથ ગ્રહણ કરશે. હાલ વિજય રૂપાણી ભાજપના પ્રદેશ પ્રમુખ છે ત્યારે હવે તેમના સ્થાને મોહન કુંડારીયાને પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી શક્યતા છે.