અમિત શાહે વિજય મુહૂર્તમાં ભર્યુ ઉમેદવારી ફોર્મ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી વખત ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે. તેના ભાગરૂપે તેમણે ગાંધીનગરથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. અમિત શાહ ગઇકાલથી ગુજરાતની મુલાકાતે આવેલા હતા. મોટાપાયે રોડ શો બાદ આજે તેઓ ગાંધીનગરમાં કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા માટે પહોંચી ગયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં અમિત શાહે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેઓએ સતત જીતના ઈરાદે આ વખતે પણ ફોર્મ ભર્યું છે. 12:39 વાગ્યાના વિજય મુહૂર્તમાં તેમણે ગાંધીનગરના કલેક્ટર કચેરીએ તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે અમિત શાહની હાજરીને પગલે ગાંધીનગરમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. આજે કેન્દ્રિય ગૃહમંત્રીની સાથે સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ નવસારીથી ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે સી આર પાટીલ ગુરુવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના હતા પરંતુ રોડ શોમાં વિજય મુહૂર્ત નીકળી જતા તેમણે આજે ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું હતું.