સાળંગપુર હનુમાનજી મંદિરે 21થી 23 એપ્રિલ સુધી હનુમાન જયંતીનો મહા મહોત્સવ ઉજવાશે
સલંગપુર: બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સલંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ મંદિર ખાતે શ્રી હનુમાન જયંતિના પાવન અવસરે મહામહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શ્રી હનુમાન જયંતિ મહોત્સવ અંતર્ગત 21 થી 23 એપ્રિલ દરમિયાન મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાળંગપુર હનુમાન મંદિરે હનુમાન જયંતી નિમિત્તે આગામી આગામી તા. 21મીથી 23મી એપ્રિલ દરમિયાન ભવ્ય હનુમાન જન્મોત્સવનું આયોજન કરાયું છે. આ વખતે સૌપ્રથમવાર સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ્ સાળંગપુરની મૂર્તિ પર 5 હજાર કિલો પુષ્પની વર્ષા કરાશે. આ ઉપરાંત ત્રણ દિવસ દરમિયાન મારુતિ યજ્ઞ, બર્થ ડે સેલિબ્રેશન, મહા અન્નક્ષેત્ર તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાશે. સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના વધુમાં જણાવ્યા મુજબ સાળંગપુરધામના આ મહામહોત્સવમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સાળંગપુરમાં આગામી તા. 21મી એપ્રિલને રવિવારે શ્રી કષ્ટભંજનદેવનું 555 કિલો પુષ્પ દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન સાંજે 4.00 કલાકે કરાશે. રાજોપચાર માટે પાંચ પ્રકારના પુષ્પો વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. તા. 22મીને સોમવારે 54 ફૂટ ઊંચી હનુમાનજીની કિંગ ઓફ્ સાળંગપુરની મૂર્તિ પર 5,000 કિલો પુષ્પનો અભિષેક સાંજે 4 કલાકે કરાશે.
જ્યારે તા. 23મીને શ્રી હનુમાન જયંતીના દિવસે મંગળા આરતી સવારે 5 વાગ્યે, શણગાર આરતી અને બર્થ-ડે સેલિબ્રેશન સવારે 7 વાગ્યે કરાશે. આ દરમિયાન સમૂહ મારુતિ યજ્ઞ યોજાશે. જેમાં 500થી વધુ લોકો ભાગ લેશે. હનુમાન જયંતીના દિવસે 5 હજાર કિલો ફૂલથી સમગ્ર મંદિર શણગારાશે. તેમજ સાંજે 7 વાગ્યે મહાસંધ્યા આરતીનું આયોજન કરાયું છે. જેમાં દાદાને સંતો અને ભક્તો દ્વારા સમૂહ મહાઆરતી કરાશે.