ઘઉંના ભાવ કિલોએ 5થી 6 રૂપિયા વધ્યા, ઉત્પાદનમાં આ વર્ષે 30થી 40% સુધીનો ઘટાડો જોવા મળ્યો
છેલ્લાં કેટલાક સમયથી દર વર્ષે ઘઉંનો ભાવ વધે છે. આ વર્ષે પણ 15થી 20% એટલે કે કિલો દીઠ 5થી 6 રૂપિયા વધતા ઘઉંનો છૂટક ભાવ 39થી 40 રૂપિયા બોલાઈ રહ્યો છે. જેથી હવે આખા વર્ષના ઘઉં ભરવા માટે એક પરિવારે આશરે હજારથી બારસો રૂપિયા વધુ ખર્ચવાનો વારો આવતા લોકોના બજેટ ખોરવાયા છે. ઘઉંની વધતી માંગની સરખામણીએ ઉત્પાદન ઘટી રહ્યું છે. આ વર્ષે ઉત્પાદનમાં આશરે 30થી 40%નો ઘટાડો નોંધાયો છે. ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમ દિવસો વધી રહ્યા છે. જ્યારે ઘઉંની પેદાશ માટે ઠંડુ વાતાવરણ જોઈતું હોય છે. આ ઉપરાંત કમોસમી વરસાદ પર અવારનવાર ત્રાટકતો રહે છે. પ્રતિકુળ વાતાવરણના લીધે ગુણવત્તા પણ બગડી રહી છે. બીજી તરફ વધતી વસતી, ઉદ્યોગીકરણ અને શહેરીકરણના લીધે ખેતી લાયક જમીન ઘટી રહી છે. આ સાથે જ ઘઉંની ખેતીમાં કેટલાક લોકોનો રસ ઘટતો જાય છે.
છૂટક બજારમાં લોકોને ઘઉં ખરીદવા કિલો દીઠ 39થી 40 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. બજારમાં વેચાતા ઘઉંનો ભાવ યાર્ડમાં તો માત્ર 22થી 25 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે. જેથી મોંઘા ભાવનો લાભ ખેડૂતો સુધી પહોંચતો નથી.