ગુજરાત

ગુજરાતની 25 સહિત કુલ 93 બેઠક પર પ્રચાર પડઘમ શાંત

ગુજરાતની 25 બેઠકો પર લોકસભાના ત્રીજા તબક્કાનું ૭મી મેના મંગળવારના રોજ મતદાન યોજાનાર છે. જેનો પ્રચાર પડઘમ શાંત પડી ચૂક્યો છે.. કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોના ઉમેદવારોએ છેલ્લી ઘડીના પ્રચારમાં તમામ તાકાત કામે લગાવી દીધી હતી. હવે પ્રચાર પડઘમ શાંત થતા ડોર ટુ ડોર મીટિંગ અને ખાટલા બેઠકો શરૂ થશે.

હવે કોઇપણ પક્ષના ઉમેદવાર પ્રચાર કરી શકશે નહીંઆગામી 48 કલાક માટે કોઈ પણ પક્ષના ઉમેદવાર ચૂંટણી માટે પ્રચાર કરી શકશે નહીં. સાથે બહારથી આવેલા લોકોએ પણ મતવિસ્તાર છોડવો પડશે.. આ તમામ લોકોના વાહનોની તપાસ કરવામાં આવશે. સાથે 48 કલાક માટે રાજ્યના તમામ જિલ્લામાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ રહેશે.. વધુમાં તેમણે કહ્યું કે, મતદાન મથકો પર વોટર અવેરનેસ બૂથ ઉભા કરવામાં આવ્યા છે. સાથે રાજ્યમાં 175 આદર્શ મતદાન મથકો પણ તૈયાર કરાયા છે.

મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા ભારતનું ચૂંટણી પંચ અને રાજ્યનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે ત્યારે તા. 7 મે ના રોજ યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું રાજ્યભરમાં સુચારૂ પાલન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 અંતર્ગત તા.05 મે, 2024 ના 18 કલાકથી એટલે કે મતદાન પૂર્ણ થવાના કલાક પૂર્વેના છેલ્લા 48 કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવામાં આવશે. આ સમયગાળામાં પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ ઉપરાંત કલ્યાણ મંડપો, સામુદાયિક હૉલ, સમાજની વાડીઓ વગેરે મકાનની હદમાં, હૉસ્ટેલ્સ તથા ધર્મશાળાઓમાં લોકસભા મતદાર વિભાગ સિવાયની બહારની વ્યક્તિઓ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. સાથે જ લોકસભા મતદાર વિભાગમાં ચેક-પોસ્ટો ખાતે પણ મતદાર વિભાગ બહારના વાહનોની અવર- જવરની પણ તપાસ કરવામાં આવશે.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વાત કરતાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈપણ જગ્યાએ અનિચ્છનિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ પ્રકારના પ્રલોભન કે ડર વિના તેમજ પારદર્શી રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પુરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં ‘ડ્રાય-ડે’ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા 48 કલાકમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે. ઉપરોક્ત બાબતનો સંપૂર્ણ અમલ થાય તે માટે સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.

આ સમયગાળા દરમિયાન સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન જેવા તમામ ઈલેક્ટ્રોનિક મીડિયા પર ચૂંટણી સંબંધિત કોઈપણ બાબતોનું પ્રસારણ પ્રતિબંધિત રહેશે. જેમાં મતદાન અંગે કરવામાં આવતા સર્વેક્ષણ-Exit Poll તથા Opinion Poll પર પણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત પ્રિન્ટ મીડિયામાં આ સમયગાળા દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા પ્રિ-સર્ટિફિકેશન કરાયું ન હોય તેવી જાહેરાતો પ્રકાશિત કરી શકાશે નહીં.મતદાન પ્રક્રિયા સુગમ રીતે ચાલે તે માટેની તૈયારીઓ અંગે વાત કરતાં કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, મોબાઈલ ફોન તથા ટેલિફોનીક સેવાઓ ચાલુ રહે તે માટે સર્વિસ પ્રોવાઇડર્સ સાથે, વિજળીનો પુરવઠો અવિરત ચાલુ રહે તે માટે વીજ કંપનીઓ સાથે, રેલવે, ટપાલવિભાગ, અગ્નિશામક દળ તથા મતદાન સ્ટાફની તબીબી જરૂરિયાતોને પહોંચી વળવા દવાઓ અને તબીબી ટુકડીઓ માટે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી દેવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x