ગુજરાત

અમરેલી પંથકમાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાની શાહી સવારી

અમરેલી :

અમરેલી પંથકમાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાની શાહી સવારી ચાલી રહી છે. આજે સાવરકુંડલા પંથકમાં મેહુલીયાએ મન મુકીને વરસાદ વરસાવી દેતા દોઢ ઇંચ પાણી પડી ગયુ હતું જેના કારણે બજારો પાણીથી લથબથ બની હતી. રાજુલાના ડુંગરમાં બે ઇંચ તથા વાવેરા-ચારોલીયા વિગેરે ગામમાં ત્રણ ઇંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો. અમરેલી, બાબરા, રાજુલામાં ઝાપટા પડયા હતાં. સાવરકુંડલા પંથક પર ગઇકાલની જેમ આજે પણ મેઘરાજાની મહેર ઉતરી આવી હતી. આજે બપોર બાદ આકાશમાં ચડી આવેલા ઘનઘોર વાદળો અનરાધાર વરસી પડયા હતાં અને જોતજોતામાં અહિં દોઢ ઇંચ વરસાદ વરસી જતા શહેરની બજારોમાં પણ પાણી દોડવા લાગ્યા હતાં. ભારે ઉકળાટમાં લોકોએ રાહત અનુભવી હતી.

ગઇકાલના અને આજના વરસાદથી નદી-નાળાઓ પણ વહેવા લાગ્યા હતાં. નાવલી નદીમાં આજે સતત બીજા દિવસે પુર આવતા નદીએ એકઠી થયેલી ભયંકર ગંદકી ધોવાઇ ગઇ હતી. રાજુલા પંથકમાં પણ વરૂણદેવ મન મુકીને વરસ્યા હતાં. રાજુલા તાલુકાના ડુંગરમાં બે ઇંચ વરસાદ વરસી જતા ઝોલાપરી નદીમાં પુર આવ્યુ હતું. તો બીજી તરફ વાવેરા, ચારોલીયા, દિપડીયા તથા આસપાસના ગામોમાં ત્રણ ઇંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો. રાજુલા, આગરીયા વચ્ચે આવેલી ઘાણો નદીમાં પણ ભારે પુર આવ્યુ હતું. ડુંગરપરડા, જીંજકા, કુંભારીયા, છાપરી વિગેરે ગામમાં પણ ભારે વરસાદ હોવાના વાવડ મળેલ છે. બીજી તરફ જીલ્લાના અન્ય વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતાં. અમરેલીમાં બે મીમી વરસાદ નોંધાયો હતો. જો કે સાંજના સમયે અમરેલીના લાઠી રોડ પર આવેલા સોસાયટી વિસ્તારમાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. બાબરા અને રાજુલામાં પણ હળવા-ભારે ઝાપટા વરસ્યા હતાં. આમ, જિલ્લામાં 5 માં દિવસે મેઘસવારી જારી રહી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x