ગુજરાત

ભૂમાફિયને નાથતો લેન્ડ ગ્રેબિંગ એક્ટ સંપૂર્ણપણે કાયદેસર, આપ્યો હાઇકોર્ટ એ ચુકાદો

જરાત રાજયમાં લેન્ડ ગ્રેબીંગ પ્રોહિબિશન એકટની બંધારણીય કાયદેસરતાને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી 150 થી વધુ પિટિશનો આજે ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ફ્ગાવી દીધી હતી. ગુજરાત હાઇકોર્ટે આજે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતાં ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ અને તેની સંબંધિત જોગવાઇઓને કાયદેસર અને બહાલ રાખી હતી. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં બહુ ગંભીર અને મહત્ત્વપૂર્ણ અવલોકનો પણ કર્યા હતા.ચીફ્ જસ્ટિસની ખંડપીઠે કાયદાકીય અને ન્યાયિક રીતે પણ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટની બંધારણીયતાને માન્યતા આપી છે અને આ કાયદાની જોગવાઇઓ બંધારણ સાથે સુસંગત હોવાનું ઠરાવ્યું હતું. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ કોઇપણ રીતે નાગરિકોના સમાનતાના અધિકાર કે અન્ય મૂળભૂત અધિકારોનુ કોઇપણ રીતે હનન કરતો નથી. આ કાયદા કે તેની જોગવાઇઓના કારણે બંધારણની કલમ-13,14,19,20 કે 21નો ભંગ થતો નથી. આ કાયદાને હજુ રાષ્ટ્રપતિની મંજૂરી મળવાની બાકી છે ત્યારે બંધારણની કલમ-254 દ્વારા અસર પામતી હોય તેવું પણ કહી શકાય નહી. કારણ કે, આ કાયદો અને તેની જોગવાઇઓ જમીન પચાવી પાડવાની ગેરકાયદે પ્રવૃત્તિને કચડી નાંખવા લાગુ પડાયો છે. હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, લોક પ્રતિનિધિઓ દ્વારા બનાવવામાં આવેલા આ કાયદામાં કોઇપણ પ્રકારની ત્રૂટિ જણાતી નથી. વિધાનસભામાં પસાર કરાયેલા કાયદામાં થયેલી સજાની જોગવાઇ એ લોક પ્રતિનિધિઓની વિવેકબુધ્ધિ અને હાલના સમયની જરુરિયાત પ્રમાણે કરાઇ હોવાનું પણ કોર્ટે ઠરાવ્યું હતું.

વચગાળાની રાહત ચાલુ રાખવાની માગ પણ કોર્ટે ફગાવી અરજદારના વકીલો દ્વારા અરજદારોને છેલ્લા ત્રણ વર્ષથી આ કેસની સુનાવણી ચાલુ હોવાથી જે વચગાળાની રાહત આપવામાં આવી હતી. તેને ચાલુ રાખવા કોર્ટ સમક્ષ માગ કરાઇ હતી. જેથી હાઈકોર્ટના આ જજમેંટને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય. જેનો કોર્ટે ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ત્રાહિત વ્યક્તિ વ્યક્તિગત અરજી કોર્ટમાં કરી શકે છે. તેને સાંભળવામાં આવશે. કલેક્ટરે પસાર કરેલા હુકમો ઉપર આ ચુકાદાથી અસર થશે નહીં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x