રાષ્ટ્રીય

રાયબરેલીથી પ્રિયંકા ગાંધીના પ્રહાર’ વડાપ્રધાન મોદી દેશની તમામ સંપત્તિ 4-5 ધનિકોને આપી દેશે.

પીએમ નરેન્દ્ર મોદી પર દેશના ટોચના ઉદ્યોગપતિઓને જ લાભ કરાવવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી દેશની બધી જ સંપત્તિ ચાર અથવા પાંચ ધનિકોને આપી દેશે. બીજીબાજુ રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસતી ગણતરી પર ફરી એક વખત ભાર મૂકતા કહ્યું, અમે દેશનો ‘એક્સ-રે’ કરાવીશું.

ગાંધી પરિવારની પરંપરાગત રાયબરેલી લોકસભા બેઠક પર રાહુલ ગાંધી માટે મત માગતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી છેલ્લા 10 વર્ષથી વારાણસીના સાંસાદ છે, પરંતુ તેમણે કોઈ ગામની મુલાકાત નથી લીધી કે કોઈ ખેડૂતને તેમની આજીવિકા વિશે સવાલ કર્યો. તેમણે ઉમેર્યું ખાનગીકરણ ખરાબ નથી, પરંતુ વડાપ્રધાન દેશની બધી જ સંપત્તિ માત્ર ચાર અથવા પાંચ ધનિકોને આપી દેવા માગે છે, જે યોગ્ય નથી.આજે કોલસો, વીજળી, બંદરો અને દેશના એરપોર્ટ્સ વડાપ્રધાનના મિત્રોને આપી દેવાયા છે.

ભૂતપૂર્વ વડાપ્રધાનો રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીને યાદ કરતા પ્રિયંકાએ કહ્યું તેઓ ગામોની મુલાકાત લેતા હતા અને લોકોને તેમના મુદ્દા પુછતા હતા. આપણા વડાપ્રધાન મોટા-મોટા આયોજનો કરે છે જ્યાં તમે મોટા ઉદ્યોગપતિઓ જોયા હશે, પરંતુ તમને ત્યાં એક ગરીબ માણસ જોવા નહીં મળે.બીજીબાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, ભાજપ ટેમ્પોવાળા બિલિયોનર્સ પાસેથી તેમને મળેલી નોટો ગણવામાં વ્યવસ્ત છે ત્યારે અમારો પક્ષ દેશમાં સમાનતા લાવવા માટે જાતિ આધારિત વસતી ગણતરી કરાવશે. અમે દેશનો ‘એક્સ-રે’ કરાવીશું અને દરેક વર્ગમાં સમાન વહેંચણીની ખાતરી કરીશું. આ સાથે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દા અંગે પક્ષની જાહેરાત પણ શૅર કરી હતી.

દરમિયાન અદાણી-અંબાણી મુદ્દા પર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ આપેલા નિવેદનથી વિવાદ સર્જાયો છે. એક મુલાકાતમાં તેમણે કહ્યું કે, અદાણી અને અંબાણીએ ટેમ્પો ભરીને રૂપિયા મોકલ્યા હોત તો તેમના વિરુદ્ધ અમે બોલ્યા ના હોત. અમે તેમના વિરુદ્ધ બોલીએ છીએ, કારણ કે તેઓ અમને રૂપિયા આપતા નથી. જોકે, આ અંગે વિવાદ વધતા હવે અધીર રંજને દાવો કર્યો કે ભાજપવાળા જોક (મજાક) પણ સમજી શકતા નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x