જનાના હોસ્પિટલમાં ઇન્ક્યુબેટરમાં દાઝી જતાં ત્રણ માસના બાળકનું મૃત્યુ
સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી અને આધુનિક એવી રાજકોટની જનાના હોસ્પિટલમાં આજે તબીબોની બેદરકારીના કારણે એક ગંભીર ઘટના બનવા પામી છે. ત્રણ માસના માસુમ બાળકને તાવની બિમારી સબબ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જનાના હોસ્પિટલનાં તબીબોએ બાળકને આંચકી હોવાનું જણાવી ઈન્કયુબેટરમાં મુકી દેતાં દાઝી ગયેલા માસુમ ભુલકાનું મોત નિપજ્યું છે. આ બનાવમાં જનાના હોસ્પિટલના સ્ટાફ અને તબીબોની બેદરકારીનો બાળકની માતાએ આક્ષેપ કર્યા છે. જ્યારે સિવિલ અધિક્ષકે જણાવ્યું છેકે, એચઓડી અને નર્સિંગ સ્ટાફને ખુલાસો પૂછવામાં આવ્યો છે. તેમજ યોગ્ય જવાબ નહીં હોય તો તપાસ સમિતિ રચાશે. જો કોઇને બેદરકારી સામે આવશે તો જવાબદાર સામે પગલાં લેવાશે.
આ ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ ગોંડલમાં રહેતા એઝાઝભાઇ કાથોરાટીયાના ત્રણ મહિનાના માસુમ પુત્રને છેલ્લા ત્રણેક દિવસથી તાવ આવતો હોય જેથી તેઓ ત્યાંના તબીબો પાસેથી સારવાર માટે દવા લેતા હતાં. બાદમાં બાળકની તબીબ લથડતાં તેઓ બાળકને સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલે લઇ આવ્યા હતાં. તબીબોએ બાળકની સારવાર કર્યા બાદ તેની તબીયત લથડતાં તેમને ઇન્ક્યુબેટર મશીનમાં રખાયો હતો. જેથી બાળકનો પગ દાઝી જતાં તેની હાલત ગંભીર થઇ ગઇ હતી. પરિવારને તાવને બદલે આંચકી હોવાનું જણાવ્યું હતું. તબીબોએ આ વાત કહેતા તેમને પરિવારજનોએ કહ્યું હતુ કે, અમારા બાળકને આંચકી નહીં તાવની બીમારી છે. બાળકનો પગ દાઝી જતા તબીબોએ તેમના પરિવારજનોને જાણ શુધ્ધા પણ કરી ન હતી અને તેઓએ બાળકના પગ દાઝી ગયાની સારવાર ચાલુ કરી દીધી હતી. બે કલાક બાદ બાળકનું મૃત્યુ નિપજતાં તેમના પરિવારજનને બાળકના અવસાનની જાણ કરી હતી. બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બાળકના પરિવારે ત્યાં હોબાળો મચાવ્યો હતો.
બાળકની માતાએ જણાવ્યું હતું કે, અમે અમારા પુત્રને તાવની બિમારીથી દાખલ કર્યો હતો. પરંતુ તબીબોએ આચકી હોવાનું જણાવ્યું હતું. જો કે અમારા પુત્રને આંચકીની બિમારી હતી નહીં. અમે બાળકને સારું થઈ જશે તેવી આશા સાથે આવ્યા હતાં. પરંતુ તબીબી બેદરકારી અને સ્ટાફની બેદરકારી અમે અમારું સંતાન ગુમાવી દીધું છે.
સિવિલ અધિક્ષક આર એસ ત્રિવેદીએ આ બનાવ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ અંતર્ગત જે જનાના હોસ્પિટલ છે, ત્યાં ગોંડલથી ત્રણ માસના એક બાળકને 19 મેના રોજ દાખલ કરવામાં આવ્યું હતું. જ્યારે બાળકને દાખલ કરવામાં આવ્યું ત્યારે ડોક્ટરના કહેવા મુજબ ઝાડા, ઉલ્ટીના કારણે સિવયર ડિ-હાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણીની માત્રા ઘણી ઓછી થઇ ગઇ હતી, આ ફરિયાદ હતી. સાથે સાથે આંચકી આવવાની પણ ફરિયાદ હતી. જેથી બાળકને દાખલ કરવામાં આવ્યું હતું.
સિવિલ અધિક્ષકે વધુમાં જણાવ્યું છેકે, તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. 36થી 38 કલાક સુધી સારવાર કરવામાં આવી હોવા છતાં બાળક બચી શક્યું ન હતું. માતા દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે મારા ધ્યાને આવ્યા છે. મે એચઓડી અને નર્સિંગ ઇન્ચાર્જને પણ અહી બોલાવ્યા છે.તથા લેખિતમાં પણ ખુલાસો માંગવામાં આવ્યો છે. ખુલાસામાં શું સામે આવે છે,જો ખુલાસો યોગ્ય નહીં જણાય તો એક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવશે. જો તેમાં જેની પણ બેદરકારી સામે આવશે તેની સામે પગલા ભરવામાં આવશે.