ચારધામ યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન વગર ઘરે પરત ફર્યા
દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે ચારધામ યાત્રાએ જતા હોય છે. ત્યારે આ વખતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ ચારધામ યાત્રામાં આવી રહ્યા છે. અત્યાર સુધીના 10 દિવસમાં સાત લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચાર ધામની મુલાકાત કરી લીધી છે. જોકે આ વખતે સરળ ચાર ધામ માટે સરકાર અને વહીવટીતંત્રના પ્રયાસો ફળી રહ્યા નથી. યાત્રા માટે આવેલા અનેક શ્રદ્ધાળુઓ ધામોના દર્શન કર્યા વગર જ ઘરે પરત ફરવા લાગ્યા છે.
ચારધામની યાત્રા માટે વહીવટીતંત્રે કામચલાઉ નોંધણીની પ્રકિયા પણ શરૂ કરી હતી, પરંતુ અત્યાર સુધીમાં લગભગ ચાર હજાર શ્રદ્ધાળુઓ ઋષિકેશથી જ ઘરે પરત ફર્યા છે. પરત ફરેલા તીર્થયાત્રીઓએ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓ ઉત્તરાખંડ પહોંચ્યા પછી પણ ધામના દર્શન કરી શક્યા નથી. આ તેના જીવનનો સૌથી ખરાબ અનુભવ છે. ઉલ્લેખનીય છે કે આ લોકોને કામચલાઉ નોંધણી માટે રોકી દેવામાં આવ્યા હતા અને પછી આ સિસ્ટમ પણ બંધ કરી દેવાઈ હતી.
ઑફલાઇન રજિસ્ટ્રેશન બંધ હતું ત્યારે ઋષિકેશમાં રોકાયેલા લગભગ 12 હજાર યાત્રાળુઓને ધામની મુલાકાત લેવાની મંજૂરી આપવા વહીવટીતંત્રે કામચલાઉ નોંધણીની વ્યવસ્થા કરી હતી. વહીવટીતંત્રની યોજના હતી કે કામચલાઉ નોંધણી કર્યા પછી, આ યાત્રાળુઓને પવિત્ર સ્થળોએ મોકલવામાં આવશે, પરંતુ આવું કંઈ થઈ શક્યું નહીં. વહીવટીતંત્રે સોમવારે સાંજે લગભગ 5 વાગ્યે આ હંગામી ધોરણે થતી નોંધણીની સિસ્ટમ પણ બંધ કરી દીધી હતી.
ટ્રાન્ઝિટ કેમ્પ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, 12 હજારની સામે માત્ર છ હજાર યાત્રાળુઓ જ કામચલાઉ નોંધણી કરાવી શક્યા હતા. બાકીના છ હજાર પૈકી ચાર હજાર જેટલા યાત્રિકો દર્શન કર્યા વિના પરત ફર્યા છે. લગભગ અઢી હજાર શ્રદ્ધાળુઓ હજુ પણ ટ્રાન્ઝિટ કેમ્પ પરિસર તેમજ ધર્મશાળાઓમાં રોકાયા છે.