પ.બંગાળમાં 120 કિ.મી.ની ઝડપે રેમલ વાવાઝોડું ત્રાટક્યું,349 ફ્લાઈટો કેન્સલ
દેશમાં ચોમાસાના આગમનની તૈયારીઓ છે ત્યારે પશ્ચિમ બંગાળમાં રવિવારે મોડી રાતે રેમલ ચક્રવાત ત્રાટક્યું હતું. આ સિઝનમાં દેશના પૂર્વીય રાજ્યો પર ત્રાટકેલું આ પહેલું વાવાઝોડું છે. આ ચક્રવાતના કારણે બંગાળમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારે અગાઉથી જ તૈયારીઓ કરી લેતાં 1.10 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા છે. 349 જેટલી ફ્લાઈટ્સ રદ કરી છે. રેલ-રોડ પરિવહન પણ બંધ કરાયા છે. વધુમાં કોઈપણ ઈમર્જન્સી પરિસ્થિતિનો સામનો કરવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિઝર્વ ફોર્સ અને એનડીઆરએફની 16-16 બટાલીયન દરિયા કિનારાના વિસ્તારોમાં તૈનાત કરાઈ છે. વધુમાં દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ પણ ચક્રવાતનો સામનો કરવાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક કરી હતી.
પશ્ચિમ બંગાળના દરિયા કાંઠે લેન્ડફોલ થયા પછી ચક્રવાતી પવનની ગતિ પ્રતિ કલાક 130 કિ.મી. જેટલી થઈ હતી. જોકે, હવામાન વિભાગનું કહેવું છે કે રેમલ ચક્રવાત અગાઉ ત્રાટકેલા સુપર ચક્રવાત એમ્ફાન જેટલું ગંભીર નહીં હોય. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ કહ્યું કે, રવિવારે બપોરથી લગભગ 21 કલાક માટે કલકત્તા એરપોર્ટ પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સહિત 394થી વધુ ફ્લાઈટ્સનું આવાગમન રદ કરી દેવાયું હતું. વધુમાં પૂર્વીય અને દક્ષિણ પૂર્વીય રેલવેએ પણ કેટલીક ટ્રેનો રદ કરી દીધી છે. ચક્રવાતના આગમન પહેલાં જ સરકારે માર્ગ પરિવહન પણ બંધ કરી દીધું હતું.
પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા, સુંદરવન અને કાકદ્વીપ વિસ્તારોમાંથી 1.10 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વધુમાં રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં અંદાજે ૫.૪૦ લાખ તાડપત્રીઓનું વિતરણ કર્યું છે. આ સિવાય અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોરું રાશન, દૂધનો પાવડર અને પીવાના પાણીના પાઉચનું પણ વિતરણ કરાયું છે. રાજ્ય સચિવાલયમાં કેન્દ્રીકૃત એકમ સ્થાપિત કરાઈ છે, જે ચક્રવાતી તોફાન રેમલની સ્થિતિ પર નજર રાખી રહી છે.
તોફાનની અસરથી દરિયા કિનારાના વિસ્તારો સહિત કોલકાતામાં પણ ભારે વરસાદ થયો છે. અતિભારે વરસાદની આશંકાએ સરકારે દરિયા કિનારાના વિસ્તારો દીધા, શંકરપુર અને તાજપુરમાં પ્રવાસીઓને હોટેલો ખાલી કરવા અને સમુદ્રમાં ના જવા સલાહ આપી છે. હવામાન વિભાગના સૂત્રો મુજબ ચક્રવાતી તોફાનના કારણે પવન પ્રતિ કલાક ૧૨૦ની ગતિએ ફુંકાયો હતો. લેન્ડફોલ પછી પવનની ગતિ ૧૩૫ કિ.મી. સુધી પહોંચી શકે છે. પશ્ચિમ બંગાળમાં લેન્ડફોલ પછી ચક્રવાત પૂર્વોત્તરના રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે, જેના પગલે અસમથી લઈને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે. કોલકાતાના મેયર ફિરહાદ હકીમે ચક્રવાત તોફાનનો સામનો કરવાની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું હતું.
તેમણે કહ્યું કે, ચક્રવાત આવ્યા પછી સ્થિતિનો સામનો કરવા માટે અંદાજે ૧૫,૦૦૦ નાગરિક કર્મચારીઓને તૈનાત કર્યા છે. કોલકાતા પોલીસે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને મદદની માગણી કરવા માટે બે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે. વધુમાં ચક્રવાતના જોખમને ધ્યાનમાં રાખી કોલકાતા સ્થિત શ્યામા પ્રસાદ મુખરજી પોર્ટ પર પણ રવિવારે સાંજથી જ ૧૨ કલાક માટે માલ અને કન્ટેનરના સંચાલનનું કામકાજ બંધ કરી દેવાયું છે. માછીમારોને બંગાળની ખાડીમાં નહીં જવા ચેતવણી અપાઈ હતી.
ચક્રવાતનો સામનો કરવા માટે બાંગ્લાદેશે પણ મોટાપાયે તૈયારીઓ કરી હતી. બાંગ્લાદેશના દરિયા કિનારાના જિલ્લાઓ સતખિરા અને કોક્સ બજાર સહિત આજુબાજુના વિસ્તારોમાંથી અંદાજે આઠ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
બાંગ્લાદેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રાહત મંત્રી મોહમ્મદ મોહિબુર રહેમાને કહ્યું કે, અધિકારીઓએ ચક્રવાત કેન્દ્રો પર જોખમનો સામનો કરવા માટે બધી જ તૈયારીઓ કરી લીધી છે. સરકારે ચટગાંવ એરપોર્ટ પર આઠ કલાક સુધી ફ્લાઈટ્સનું સંચાલન બંધ કરી દીધું છે. જિલ્લા તંત્રે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો માટે 4000 સાયક્લોન શેલ્ટર તૈયાર કરવાની સાથે સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓને અસ્થાયી આશ્રયસ્થાનોમાં બદલી નાંખ્યા છે. બાંગ્લાદેશે દરિયા કિનારાના જિલ્લાઓમાં ચક્રવાત રેમલનો સામનો કરવા માટે સાયક્લોન પ્રિપરેશન પ્રોગ્રામ હેઠળ 78000 સ્વયંસેવકોને એલર્ટ મોડ પર રાખ્યા છે. બાંગ્લાદેશમાં દરિયા કિનારાના જિલ્લાઓ ખુલના, સતખિરા, બાગેરહાટ, પિરોઝપુર, ઝાલાકાઠી, બરગુના, ભોલા અને પટુઆખાલીમાં મોટાપાયે જોખમની આશંકા વ્યક્ત થઈ રહી છે.