રાષ્ટ્રીય

વર્ષ ૨૦૧૭-૧૮માં ૭૨,૨૦૫ લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી. જ્યારે ત્રણ વર્ષમાં જ ૬.૯૬ અબજ રૂપિયાથી વધુની ઓનલાઇન છેતરપિંડી થઈ.

નવી દિલ્હી :

દેશની અર્થવ્યવસ્થાને સાયબર ક્રાઈમ કરતા ઠગ સતત મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. દિન-પ્રતિદિન ઓનલાઈન છેતરપિંડીના કેસ વધતા જાય છે. કેન્દ્રિય નાણા મંત્રાલયે રાઈટ ટુ ઈન્ફર્મેશન એકટ (RTI) હેઠળ આપેલા જવાબમાં ઓનલાઈન છેતરપિંડી અંગે અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. રિઝર્વ બેન્કે જાણકારી આપી હતી કે, વર્ષ ૨૦૧૬થી લઈને જૂન ૨૦૧૯ સુધીમાં ૧,૭૬,૪૨૩ લોકો સાથે કુલ ૬.૯૬ અબજ રૂપિયાથી પણ વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. નાણા મંત્રાલયે આરટીઆઈને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના જનસૂચના અધિકાર વિભાગને મોકલી આપી હતી. આરબીઆઈએ કેટલાક સવાલોના ગોળગોળ જવાબો આપ્યા હતા, પરંતુ ઓનલાઈન છેતરપિંડીના છેલ્લા ૩ વર્ષના આંકડાઓની જાણકારી આપી હતી. સાયબર ક્રાઈમનો ભોગ બનેલા ૮૭,૯૫૬ લોકોએ પોલીસ સ્ટેશનમાં જઈને તેમની સાથે થયેલી છેતરપિંડીની વિધિવત ફરિયાદ નોંધાવી છે, જયારે ૮૮,૪૬૭ લોકો એવા પણ છે, જેમની સાથે છેતરપિંડી થઈ છે પણ તેમણે ફકત બેન્કને આ અંગે જાણ કરીને વધુ કોઈ કાર્યવાહી કે પોલીસ ફરિયાદ કરી નથી. ઓનલાઈન છેતરપિંડીના આંકડા દેશમાં દર વર્ષે સતત વધતા જાય છે અને આ માટે લોકોમાં ઓછી જાગૃતિને જવાબદાર ગણવામાં આવે છે. રિઝર્વ બેન્કના આંકડાઓ પર એક નજર કરીએ તો, વર્ષ ૨૦૧૬-૧૭માં દેશભરમાં ૪૫૫૯ લોકો ઓનલાઈન ચિટિંગનો શિકાર બન્યા હતા. તેમાંથી ૩૧૮૭ લોકોએ જ એફઆઈઆર નોંધાવી હતી. વર્ષ ૨૦૧૭-૧૮માં આ આંકડામાં ૧૫ ગણો વધારો જોવા મળ્યો હતો. ૭૨,૨૦૫ લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ, પરંતુ માત્ર ૩૭,૪૧૪ લોકોએ જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરબીઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોકો તેમની સાથે ઓનલાઈન છેતરપિંડી થાય ત્યારે સમય બગાડ્યા વગર તુરંત પોલીસનો સંપર્ક કરે અને ફરિયાદ નોંધાવે તો આ પ્રકારના કિસ્સાઓ ઘટી શકે છે અને આરોપીઓ સુધી પહોંચી શકાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x