ગાંધીનગર

મુખ્ય માર્ગો ઉપરથી હટાવાયેલા રખડતાં ઢોર સેકટરોમાં ઘુસ્યાં

ગાંધીનગર, રવિવાર
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં આજે રાજ્યના નવા મુખ્યમંત્રીની શપથવિધિ યોજાવાની હોવાથી વીવીઆઈપી મુવમેન્ટ રહી હતી ત્યારે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા શહેર ચોખ્ખુ દેખાય તે માટે રખડતાં ઢોરોને હટાવવા માટે દોડધામ શરૃ કરાઈ હતી. મુખ્ય માર્ગો ઉપર કર્મચારીઓ દ્વારા રખડતાં ઢોરોને દોડાવીને સેકટરોના આંતરિક માર્ગો ઉપર લઈ જવાયા હતા. જેના પગલે શહેરના સેકટરોમાં રખડતાં ઢોરોનો અડ્ડો થઈ ગયો હતો. જો કે બપોર બાદ ફરી પાછા આ ઢોર મુખ્ય માર્ગો ઉપર આવી ગયા હતા.

ગાંધીનગર શહેરના મહાત્મા મંદીર ખાતે આજે નવા વરાયેલા મુખ્યપ્રધાન તેમજ મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અન્ય રાજ્યોના મુખ્યમંત્રી તેમજ વીવીઆઈપીઓ આવવાના હોવાથી વહીવટી તંત્ર ગઈકાલ રાતથી જ શહેરને સુંદર બનાવવામાં લાગી ગયું હતું. ત્યારે શહેરમાં રખડતાં ઢોરની સમસ્યાને એક દિવસ પુરતી નાથવા માટે તંંત્ર કામે લાગ્યું હતું. જો કે આ ઢોર ફકત મુખ્ય માર્ગો ઉપર હટાવવાનું નક્કી થયું હતું. શહેરમાં રાજભવન આસપાસ, રોડ નં-પ, અને મહાત્મા મંદિર આસપાસના વિસ્તારોમાંથી રખડતાં ઢોરોને હટાવવા માટે કોર્પોરેશનના કામદારોને લાકડીઓ સાથે ઉભા કરી દેવાયા હતા. તેમના દ્વારા રખડતાં ઢોર દોડાવી દોડાવીને સેકટરોની અંદર મોકલી દેવામાં આવ્યા હતા. જેના કારણે મુખ્ય માર્ગો ઉપર વીવીઆઈપીઓને રખડતાં ઢોર દેખાયા નહોતા પરંતુ સેકટરોમાં આ ઢોર ઘુસી જવાના કારણે વસાહતીઓ કફોડી સ્થિતિમાં મુકાયા હતા. જો કે શપથવિધિ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વીવીઆઈપીઓ રવાના થઈ ગયા હતા અને ત્યારબાદ આ ઝુંબેશ બંધ કરી દેવાતા ફરીથી આ ઢોર મુખ્ય માર્ગો ઉપર આવી ગયા હતા. ગાંધીનગરમાં રખડતાં ઢોરની સમસ્યા વિકરાળ બની છે તેમ છતાં એક જ દિવસ પુરતી ઝુંબેશ કરવામાં આવે છે તેનાથી વસાહતીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x