રાષ્ટ્રીય

ભારતીય ટીમના બોલિંગ કોચ બની શકે છે ઝહીર ખાન

ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બન્યો છે, BCCI સેક્રેટરી જય શાહે મંગળવારે તેના નામની જાહેરાત કરી હતી. પરંતુ હવે પ્રશ્ન એ છે કે તેની કોચિંગ ટીમમાં બીજું કોણ જોડાશે? એવા અહેવાલો છે કે ગૌતમ ગંભીરની કોચિંગ ટીમમાં નવા બેટિંગ કોચ અને બોલિંગ કોચનો ઉમેરો થવા જઈ રહ્યો છે. આ પદો માટે ઘણા મોટા ખેલાડીઓના નામ સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાને 2011માં વર્લ્ડ કપ જીતાડનાર ફાસ્ટ બોલર ઝહીર ખાન બોલિંગ કોચ બનવાની રેસમાં છે.

મીડિયા અહેવાલ મુજબ ઝહીર ખાન ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ બનવાની રેસમાં છે. માત્ર ઝહીર જ નહીં પૂર્વ ફાસ્ટ બોલર લક્ષ્મીપતિ બાલાજી પણ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ બનવાના દાવેદાર છે. જો કે, આ પદ માટે અન્ય એક દાવેદાર છે અને તે છે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વિનય કુમાર.જો ઝહીર ખાન ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ બને છે તો તેનાથી રોહિત એન્ડ કંપનીને ઘણો ફાયદો થશે. કારણ કે ઝહીર ખાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો લાંબો અનુભવ છે. તે દુનિયાના ખૂણે ખૂણે ક્રિકેટ રમ્યો છે. ઉપરાંત, તે ટીમ સિસ્ટમને સારી રીતે જાણે છે. ટીમ અને ખેલાડીઓને મેનેજ કરવાનું કામ સારી રીતે સમજે છે. ઝહીર ખાને ટીમ ઈન્ડિયા માટે 200 વનડેમાં 282 વિકેટ લીધી છે. આ સિવાય તેણે 92 ટેસ્ટમાં 311 વિકેટ લીધી છે. IPLમાં પણ તેણે 100 મેચમાં 102 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ આગામી 2 વર્ષમાં 5 ICC ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની છે. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી, ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને બે ટેસ્ટ ચેમ્પિયનશિપ સામેલ છે.
અભિષેક નાયરની એન્ટ્રી કન્ફર્મ?
ઝહીર ખાન ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ બનશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ અભિષેક નાયર બેટિંગ કોચ ચોક્કસ બની શકે છે. અભિષેક નાયર KKRના આસિસ્ટન્ટ કોચ રહી ચૂક્યા છે અને તેમને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો લાંબો અનુભવ પણ છે. ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના નવા કોચિંગ સ્ટાફનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x