નિફ્ટ ગાંધીનગરમાં નિફ્ટના 40મા સ્થાપના દિવસની ઉજવણી: પ્રભાવ અને શ્રેષ્ઠતાનો ઉત્સવ
નિફ્ટ ગાંધીનગરે 22 જાન્યુઆરી 2026ના રોજ નિફ્ટના 40મા સ્થાપના દિવસની ઉજવણી કરી, જેમાં ફેશન અને ડિઝાઇન ક્ષેત્રમાં સંસ્થાની સમૃદ્ધ વારસાગાથા અને મહત્વપૂર્ણ યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું. નિફ્ટ ભારત સરકારના કાપડ મંત્રાલય હેઠળની એક કાનૂની સંસ્થા છે, જે ફેશન, ડિઝાઇન અને મેનેજમેન્ટ ક્ષેત્રે શિક્ષણ, સંશોધન અને નવાચાર માટે સમર્પિત છે.
આ ઉજવણીમાં એર માર્શલ તેજિન્દર સિંહ, AVSM, VM, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ, ભારતીય વાયુ સેના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી, જે જ્ઞાન, પ્રકાશ અને આંતરિક ચેતનાના જાગૃતિનું પ્રતિક છે. એર માર્શલ તેજિન્દર સિંહે હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન, રંગોળી પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું તથા નિફ્ટ ફાઉન્ડેશન ટાઇમલાઇન વોલનું અનાવરણ કર્યું.
પ્રોફ. ડૉ. સમીર સૂદ, નિર્દેશક, નિફ્ટ ગાંધીનગરે જણાવ્યું કે આ ઉજવણીમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન, રંગોળી પ્રદર્શન, નિફ્ટ ફાઉન્ડેશન ટાઇમલાઇન વોલનું અનાવરણ અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ. આ પ્રવૃત્તિઓ સંસ્થાની સર્જનાત્મકતા, સંસ્કૃતિ અને સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું કે વોકાથોન, રમતો અને ફેશન ક્વિઝ દ્વારા પર્યાવરણીય જાગૃતિ અને સામાજિક જવાબદારી પ્રત્યે નિફ્ટ ગાંધીનગરની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી. પરંપરાગત વસ્ત્રોથી પ્રેરિત રંગોળી સ્પર્ધાએ ફેશનનું સાંસ્કૃતિક પાસું રજૂ કર્યું, જ્યારે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ કેમ્પસમાં ઉત્સવી માહોલ સર્જ્યો.
કાર્યક્રમમાં એર માર્શલ તેજિન્દર સિંહ અને પ્રોફ. ડૉ. સમીર સૂદ દ્વારા પ્રેરણાદાયક મુખ્ય ભાષણો આપવામાં આવ્યા. પોતાના વિશેષ સંબોધનમાં એર માર્શલ તેજિન્દર સિંહે નિફ્ટની મુલાકાત અંગે આનંદ વ્યક્ત કર્યો અને તેને એક પ્રતિષ્ઠિત તથા આઇકોનિક સંસ્થા તરીકે વર્ણવી. તેમણે નિફ્ટની કડક પ્રવેશ પ્રક્રિયા અને પરીક્ષાઓ દ્વારા પસંદ થયેલા વિદ્યાર્થીઓની મહેનત અને પ્રતિભાની પ્રશંસા કરી.
એર માર્શલ તેજિન્દર સિંહે જણાવ્યું કે અગાઉ તેઓ ફેશન શિક્ષણને સીમિત દ્રષ્ટિએ જોતા હતા, પરંતુ કેમ્પસની મુલાકાત બાદ નિફ્ટના બહુમુખી અને આંતરવિષયક અભ્યાસક્રમ અંગે ઊંડું સમજણ પ્રાપ્ત થઈ. તેમણે ટેકનોલોજી, હસ્તકલા, ટકાઉપણું અને નવીનતાને ડિઝાઇન સાથે જોડવાના અભિગમની પ્રશંસા કરી. ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર આધુનિક ડિઝાઇન અને વૈશ્વિક રજૂઆત સાથે જોડાય તો આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ મેળવી શકે છે તેમ તેમણે જણાવ્યું.
તેમણે નિફ્ટના નેતૃત્વ, ખાસ કરીને નિર્દેશકની ગતિશીલ અને આગવી દૃષ્ટિ માટે પ્રશંસા કરી અને ફેશન શિક્ષણ ક્ષેત્રે સંસ્થાની પાયોનિયર ભૂમિકાને માન્યતા આપી. નિફ્ટ ગાંધીનગર સહિત નિફ્ટના પૂર્વ વિદ્યાર્થીઓ ફેશન ઉદ્યોગમાં અગ્રણી સ્થાન પર છે તેમ તેમણે જણાવ્યું. વિદ્યાર્થીઓને સફળ વ્યાવસાયિક બનવાની સાથે ટકાઉ ફેશન અને રાષ્ટ્રીય વિકાસમાં જવાબદાર યોગદાન આપવાની અપીલ કરી.
ડૉ. સમીર સૂદે નિફ્ટની મજબૂત વારસાગાથા પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે નિફ્ટના પૂર્વ વિદ્યાર્થીઓ આદિત્ય બિરલા ગ્રુપ, રિલાયન્સ અને અરવિંદ મિલ્સ જેવી અગ્રણી કંપનીઓમાં ઉચ્ચ નેતૃત્વ પદો પર કાર્યરત છે. તેમણે ઉમેર્યું કે આ વારસો સંયુક્ત સિદ્ધિ છે અને તેને ઓળખ મળવી જરૂરી છે.
તેમણે જણાવ્યું કે ફેશન અને કાપડ ક્ષેત્ર ભારતની વૈશ્વિક ઓળખ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. ભારત 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે નિફ્ટનો 40મો સ્થાપના દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. કાપડ ક્ષેત્ર દેશનું દ્વિતીય સૌથી મોટું રોજગાર સ્ત્રોત છે, જે GDP અને ઔદ્યોગિક ઉત્પાદન માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને લગભગ 10 કરોડ લોકોને રોજગાર આપે છે. વડાપ્રધાનના “3T” અભિગમનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે 2030 સુધી ભારતને વિશ્વનું કાપડ અને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં ટેક્સટાઇલ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
તેમણે ભગવદ ગીતા શ્લોક સાથે પોતાના સંબોધનનો અંત કર્યો અને રાષ્ટ્રહિતમાં અર્થપૂર્ણ કાર્ય કરવાની પ્રાર્થના કરી.
નિફ્ટ ગાંધીનગરનો સ્થાપના દિવસ માત્ર ઉજવણી નહીં પરંતુ ટકાઉપણું, સાંસ્કૃતિક વૈવિધ્ય અને સર્જનાત્મક પ્રતિભા વિકાસ પ્રત્યેની તેની મૂળભૂત પ્રતિબદ્ધતાનો પ્રતિબિંબ છે.

