મેલેરિયા મુક્ત ગુજરાતના દાવા છતાં રાજ્યમાં 6 લાખ દર્દી મળ્યાં
ગુજરાતને મેલેરિયા મુક્ત કરવાનો કોલ 2022માં આપવામાં આવ્યો હતો પરંતુ ધાર્યું કામ નહીં થતાં મેલેરિયાના કેસો શોધવાનું અભિયાન શરૂ કરવું પડયું છે. આ વખતે બે તબક્કામાં થયેલી કામગીરીમાં કુલ છ લાખ જેટલા તાવના દર્દીઓ મળી આવ્યા હતા.ભારત સરકારે 2030ના વર્ષમાં મેલેરિયા મુક્ત કરવાનો કોલ આપ્યો છે પરંતુ ગુજરાતના આરોગ્ય અધિકારીઓ માત્ર આંકડા એકત્ર કરી રહ્યાં છે. પરિસ્થિતિમાં લક્ષ્યાંક પ્રમાણે સુધારો થયેલો જણાતો નથી. આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે 2027 સુધીમાં મેલેરિયાના કેસોને શૂન્ય સ્તરે લઇ જવામાં આવશે.
જંતુનાશક દવા છંટકાવ કાર્યક્રમ હેઠળ ચાલુ વર્ષે રાજ્યમાં જુન માસ સુધીમાં મેલેરિયા માટે સંવેદનશીલ એવા 22 જિલ્લાના 218 ગામોમાં 45355 ઘરોને આવરી લેવામાં આવ્યા હતા. હાઉસ ટુ હાઉસ અભિયાન હેઠળ પ્રથમ તબક્કામાં કુલ 10578 ટીમો દ્વારા 13132890 ઘરની મુલાકાત લેવામાં આવી હતી જે પૈકી 163084 ઘરોમાં મચ્છરના પોરાં મળી આવ્યા હતા.
અન્ય સંભવિત એવા 363629 સ્થાનોએ મચ્છરના ઉત્પત્તિ સ્થાનો જણાતાં મચ્છરોનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઘરોમાં તાવના 299332 દર્દીઓ મળી આવતાં તેમના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. બીજા તબક્કામાં કુલ 18065 ટીમ દ્વારા 14389942 ઘરની મુલાકાત લેવામાં આવી હતી. તે પૈકી 195322 ઘરમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા.
આરોગ્યની ટીમ દ્વારા આ પોરાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં 354140 જગ્યાએ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનો જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ તબક્કામાં તાવના વધુ 302729 દર્દીઓ મળી આવ્યા હતા. રાજ્યમાં 492 વેક્ટર કન્ટ્રોલ ટીમો તમામ જિલ્લામાં કામ કરી રહી છે.