ભારતના દિગ્ગજ સ્પિનર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
ગાબા ટેસ્ટ ડ્રો ગયા બાદ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ સ્પિનર આર. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિનું એલાન કરી સૌને ચોંકાવી દીધા. રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, “આજે મારો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેનો છેલ્લો દિવસ હતો. એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે હું હવે આ રમત સાથે જોડાયેલો નહીં રહું. પરંતુ હું ચોક્કસપણે આ રમત સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો રહીશ.” અશ્વિને તેની એક્સ પોસ્ટ પર લખ્યું, “ઘણો વિચાર કર્યા પછી, મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. અવિસ્મરણીય ક્ષણોથી ભરપૂર, ભારતનું પ્રતિનિધિત્વ કરતી મારી અત્યાર સુધીની સફર અવિશ્વસનીય રહી છે. મારા સાથી ખેલાડીઓ, કોચ, બીસીસીઆઈ અને સૌથી અગત્યનું ચાહકોને તેમના અતૂટ સમર્થન માટે આભાર. નવા પડકારો મારી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ હંમેશા મારા હૃદયમાં વિશેષ સ્થાન જાળવી રાખશે.