હિંદુ સનાતન ધર્મના વિધિ વિધાનો, પ્રતિકો શા માટે? 108મું પ્રવચન યોજાશે
સમાજમાં જે દિશાનો પવન હોય એ દિશામાં આપણા વિચારો બંધાય છે, અને પછી મનમાં જે નક્કી થાય એ કાર્યમાં આપણે લાભ, ખોટ કે નિયમ-કશાનો પ્રશ્ન ઉઠાવતા જ નથી. બધું જ ચૂપચાપ સ્વીકારી જ લઈએ છીએ.સામાન્યતઃ ક્રિકેટના નિયમો હોય છે કે, એક જણ બોલ ફેંકે, બીજો ફટકારે. બીજા બધા ઉભા રહે. કોઇ બીજાએ બોલ ફેકવો હોય તો ? ના, એ તો કેપ્ટન કહે તેમ કરવું પડે. આના પણ નિયમો હોય. બોલરથી અમુક રીતે જ બોલ નંખાય. બેટ્સમેને પણ ક્રીઝની અંદર જ રહેવાનું. બેટ સીધું જ પકડવાનું. જેમ તેમ ધોકાની જેમ નહીં. જો ક્રિકેટની ખરી મજા લેવી હોય તો નિયમો પાળવા પડે. પણ જ્યારે હિદું સનાતન ધર્મના વિધિવિધાનોની વાત આવે એટલે પ્રશ્ન થાય (પૂજા, આરતી. કંઠી, તિલક ચાંદલો, મંદિર, પ્રતીકો) આ બધુ શા માટે ?
વિશ્વની કઇ સંસ્કૃતિમાં વિધિવિધાનો, રીતરીવાજો નથી? જંગલમાં વસતા આદિવાસીઓને, હબસીઓને, રેડ ઇન્ડિયનોને પણ પોતાની સામાજિક માન્યતાઓ છે. ધાર્મિક રીત રીવાજો છે. યહુદી, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, શીખ, કન્ફ્યુશિયસ, તાઓ… વગેરે મુખ્ય ધાર્મિક સમાજો છે. સૌની પોતપોતાની માન્યતાઓ અને આગવી ઓળખ છે, રીતરિવાજો છે. હિન્દુ ધર્મ પણ અનેક તત્ત્વચિંતનો, વિધિ-વિધાનો, માન્યતાઓ અને રીત-રિવાજોનો વિશાળ મહાસાગર છે.
આજે જ્યારે જ્ઞાનની સાથે બુદ્ધિ અને તર્કની સીમાઓ વિસ્તરતી જાય છે ત્યારે સનાતન ધર્મના પાયાના મૂલ્યોને ટકાવી રાખવા અતિ આવશ્યક છે. બદલાતી જતી પેઢીઓના કથળતા જતા સંસ્કાર-વારસાને જાળવવા માટે, નવી પેઢીની શ્રદ્ધાને અડીખમ રાખી શકે અને આદર્શ જીવન જીવવાનો અનુભવ આપે, એ દૃષ્ટિએ આર્ષ શોધ સંસ્થાન, અક્ષરધામ, ગાંધીનગર દ્વારા તા.28-12-2024 ને શનિવારના રોજ આયોજિત આર્ષ ત્રૈમાસિક પ્રવચનમાળા, પ્રવચન-108 માં દર્શન-ચિંતન વિષય અંતર્ગત હિંદુ સનાતન ધર્મના વિધિ વિધાનો, પ્રતીકો શા માટે ? પ્રવચનનું સાંજે 4.30 થી 7.00 દરમ્યાન, અક્ષરધામ હરિમંદિર સભા હોલ ખાતે આયોજન કરેલ છે. જેમાં સ્વામિનારાયણ મંદિર, ભરૂચના કોઠારીશ્રી, પૂ. અનિર્દેશદાસ સ્વામી પાસેથી જાણકારી મળશે. જેમાં સુજ્ઞ જનતાને ભાવભીનું નિમંત્રણ છે.