અમેરિકાના 39મા રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન
અમેરિકાના 39મા રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ 1977થી 1981 દરમિયાન રાષ્ટ્રપતિ પદ પર હતા અને ડેમોક્રેટિક પાર્ટીના મોટા નેતા હતા. કાર્ટરે જ્યોર્જિયા રાજ્યના પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમનો જન્મ 1 ઑક્ટોબર, 1924ના રોજ પ્લેન્સ, જ્યોર્જિયામાં એક ખેડૂતના પરિવારમાં થયો હતો. કાર્ટરે 1946માં રોઝલિન સ્મિથ સાથે લગ્ન કર્યા હતા, જેમનું 96 વર્ષની વયે ગત વર્ષે અવસાન થયું હતું. તેમના 4 બાળકો, 11 પૌત્રો અને 14 પૌત્ર-પૌત્રાઓ છે. રાષ્ટ્રપતિ પદ દરમિયાન તેઓ મંદી અને ઈરાન બંધક સંકટ જેવી ગંભીર પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો, જેના કારણે ટીકાઓ પણ થઈ હતી.જીમી કાર્ટર શાંતિપ્રિય નેતા હતા અને વિશ્વ શાંતિ માટે તેમના પ્રયત્નોને 2002માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 1978માં તેઓ ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર કરાવવા માટે જાણીતા થયા, જે કેમ્પ ડેવિડ કરાર તરીકે ઓળખાય છે. આ કરારે મધ્ય પૂર્વ અને અમેરિકાના સંબંધોને મજબૂત આધાર આપ્યો હતો. કાર્ટરે 1977માં આર. ફોર્ડને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હરાવીને અમેરિકાનું સર્વૌચ્ચ પદ સંભાળ્યું હતું.