અમદાવાદ સિવિલમાં વર્ષ 2024માં 11 લાખથી વધુ દર્દીઓએ લીધી OPDમાં સારવાર
અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024માં 11 લાખ કરતાં વધુ દર્દીઓને ઓપીડીમાં સારવારમાં અપાઈ હતી, આ ઉપરાંત 1.05 લાખ દર્દીઓને દાખલ કરીને સારવાર અપાઈ હતી. એક વર્ષમાં સિવિલમાં સાત હજારથી વધુ દર્દીઓના એમઆરઆઈ કરાયા હતા. જ્યારે 30 લાખથી વધુ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. અસારવા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ચાર લાખ એક્સ-રે કરાયા છે જ્યારે 30 લાખથી વધુ બ્લડ સેમ્પલ લેવાયા છે. હોસ્પિટલ સૂત્રોએ કહ્યું હતું કે, હોસ્પિટલમાં એક વર્ષમાં 850થી વધુ મહિલાઓની પ્રસૂતિ થઈ હતી. 14 હજાર કરતાં વધારે દર્દીઓએ સિટી સ્કેન સેવાનો લાભ મેળવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં નવેમ્બરની સરખામણીમાં ડિસેમ્બર મહિનામાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડિસેમ્બરમાં ડેન્ગ્યુના 29, કમળાના 233, વાઈરલ ફીવરના 378, ઝાડા-ઊલટીના 117, સાદા મેલેરિયાના 11 અને ઝેરી મેલેરિયાના 12 કેસ નોંધાયા છે. તેની સાથે જ 12 ડિસેમ્બરથી મહિનાના અંત સુધીમાં કુલ 21690 ઓપીડી નોંધાઈ છે જેમાં 1814 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી હતી.