અમદાવાદની ઝેબર સ્કૂલમાં ધો.૩ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત
અમદાવાદ શહેરના થલતેજ-બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનની ૮ વર્ષની બાળકીનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું છે. ધો.૩ની વિદ્યાર્થિની ગાર્ગી રાણપરાને અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. ત્યારબાદ તેને અસહજ અનુભવાતા તે લોબી પરની ખુરશી પર બેસી ગઈ હતી. જ્યાં થોડી ક્ષણોમાં જ તે ઢળી પડી હતી.
આસપાસમાં હાજર શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. જે બાદ તેને શાળાના સ્ટાફ દ્વારા તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે ડાક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના આચાર્ય શર્મિષ્ઠા સિન્હાના જણાવ્યા અનુસાર, ધોરણ ૩માં અભ્યાસ કરતી બાળકી ગાર્ગી તુષાર રાણપરાનું મોત થયું છે.
અમે સીસીટીવી રેર્કોડિંગમાં જોયું કે, દરરોજ બાળકી જે રીતે આવતી હતી તેમ જ શાળામાં આવી હતી. તે તેના પહેલા માળ પર આવેલા ક્લાસમાં જઈ રહી હતી. તે દરમિયાન તે ધીરે ધીરે ચાલી રહી હતી. દરમિયાન તે ત્યાં રહેલી ખુરશીમાં બેસી ગઈ અને તે ધીરે ધીરે નીચે આવવા લાગી હતી. શિક્ષકોએ જ્યારે આ જોયું ત્યારે એની પાસે દોડી ગયા હતા.