નવરાત્રિ પહેલા જ રસ્તા રીપેરિંગ કરી દેવાશે : નીતિન પટેલ
ગાંધીનગર:
ચોમાસામાં ભારે વરસાદથી જે રસ્તાઓ બિસ્માર થયા છે તે રસ્તાઓને રાબેતા મુજબ વાહન વ્યવહાર થઇ શકે તે માટે નવરાત્રી પહેલા પૂર્વવત્ કરી દેવાશે, એવું નાયબ મુખ્ય પ્રધાન અને માર્ગ મકાન પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વરસાદને કારણે તેમજ પૂરના પાણી રસ્તાઓ પરથી પસાર થવાના કારણે માર્ગોને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. તે રસ્તાઓ પરના નાળા/પુલોને પણ ભારે વરસાદને કારણે નૂકશાન થયેલ છે. એ રસ્તાઓ તથા નાળા/પુલો પણ પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે માર્ગ-મકાન વિભાગ દ્વારા હાથ ધરી દેવામાં આવી છે. રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો, સ્ટેટ હાઇવે, જિલ્લા માર્ગોને તથા અન્ય ગ્રામ્ય માર્ગોને પણ નુકસાન થયુ છે તેમાં જે ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોને અગ્રિમતાના ધોરણે મરામત કરીને વાહનવ્યવહાર પૂર્વવત્ થાય એ રીતે કામ કરવાનું શરૂ કરી દેવાયું છે. જે માર્ગો પર મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તે માટે કાર્પેટિંગની જરૂરિયાત માટે અલગથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને આ કામો પણ સત્વરે પૂરા કરાશે. રાજ્યના માર્ગોને પ્રાથિક અંદાજ મુજબ રૂા. ૫૦ કરોડથી વધુનું નુકસાન થયું છે તે તમામ કામો ઝડપથી પૂર્ણ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.