શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ૨૭મી ઓગસ્ટે હાજર રહેવા હાઈ કોર્ટનો આદેશ
અમદાવાદ:
ગુજરાત હાઈ કોર્ટે ધોળકા વિધાનસભા ચૂંટણીના વિવાદના કેસમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આગામી તા.૨૭મી ઓગસ્ટ હાજર રહેવા આદેશ કર્યો હતો અને ભૂપેન્દ્રસિંહને ઈલેકશન પિટિશન કેસમાં જુબાની માટે સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યું હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ તા.૧૮મી ડિસેમ્બર ૨૦૧૭એ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લાની ધોળકાના વિધાનસભાના બેઠક પરથી માંડ ૩૨૭ જેટલા મતોથી વિજય બનેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણ પ્રધાન છે. ધોળકા વિધાનસભા બેઠક પર તેઓ કૉંગ્રેસના ઉમેદવાર અશ્ર્વિન રાઠોડ સામે જીત્યા હતા. લગભગ ૪૨૯ જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. જોકે તેને બાજુએ મૂકીને ઇવીએમની ગણતરી કરી દેવામાં આવી હતી ત્યારે કૉંગ્રેસે તેમની આ જીતને હાઈ કોર્ટમાં પડકારી હતી. બીજી તરફ, ચૂંટણી પંચે પણ કબૂલ્યુ હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓબ્ઝર્વર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલાં લેવા પણ જણાવ્યું હતું. સમગ્ર મામલો અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આચારસંહિતા હતી ત્યારે જ ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ થયો હતો.