સ્વામિત્વ યોજના અંતર્ગત ગાંધીનગર ખાતે પ્રોપર્ટી કાર્ડના વિતરણનો કાર્યક્રમ યોજાયો
સમગ્ર દેશમાં ૫૦ હજાર ગામોના ૬૫ લાખ પ્રોપર્ટીધારકોને સ્વામિત્વ યોજના હેઠળ હાથોહાથ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ આજે સમગ્ર રાજ્યના ૨૦ જિલ્લાઓમાં યોજાયો હતો. તે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા ખાતે સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન પ્રોટોકોલ તથા લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ,નાગરિક ઉડયન મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં જમીન અને પ્રોપર્ટીના સાચા માલિકોને હાથોહાથ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે, ગાંધીનગર જિલ્લામાં ત્રણ લાખ પ્રોપર્ટી કાર્ડ બનાવવાનું કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થશે. અને વર્તમાન સમયમાં 28,000 જેટલા કાર્ડ અપાય ચૂક્યા છે. ત્યારે વડનગર ની વાત કરતા ગર્વની લાગણી અનુભવી તેમણે ઉમેર્યું હતું કે આઝાદીના 75 વર્ષ પછી વડાપ્રધાન શ્રી ની પરિકલ્પના હતી કે,દેશમાં વિકાસ થાય, બિલ્ડીંગો બને બધું જ થાય પણ આપણું જે ઘર છે તેની ઓળખ શું! જ્યારે મકાનનો પુરાવો માંગવામાં આવે, ત્યારે ગ્રામ્ય કક્ષાના લોકો ગ્રામ પંચાયત લખી આપે તે લખાવીને રજૂ કરે છે. પણ લોન માટે આ પુરાવા માન્ય ગણાતા નથી. આવી નાની નાની સમસ્યાના ઉકેલ માટે સ્વામીત્વ યોજનાની પરિકલ્પના વડાપ્રધાન શ્રી એ કરી અને તેને સાકાર કરી બતાવી છે. જેનાથી મિલકત સંબંધી કાયદાકીય કેશો પણ ઘટશે.
સ્વામિત્વ કાર્ડ વિશે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ કાર્ડ જમીન અને મકાનના સાચા માલિકને તેનો હક્ક પારદર્શી રીતે પૂરો પાડે છે. મિલકતને લઈને કુટુંબમાં વાદ-વિવાદ થતા હતાં, તેનું નિરાકરણ આ કાર્ડને કારણે કાયમી ધોરણે આવશે. ગરીબોને પડતી મુશ્કેલીઓને વાચા આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧ માં સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાથી ગ્રામીણ કક્ષાએ સર્વગ્રાહી વિકાસ થશે, મિલકતની માપણી સરળતાથી કરી શકાશે, તેમ જ માલિકને ‘રેકોર્ડ ઓફ રાઇટ’ ઉપલબ્ધ થશે. મંત્રીશ્રીમાં વધુમાં ઉમેર્યું કે, આ કાર્ડને કારણે ચોક્કસ રેકોર્ડ ઉભો થશે, કાયદાકીય કેસ ઘટશે, ગ્રામ્યસ્તરે સારું આયોજન થઈ શકશે અને મહિલાઓને પણ માલિકી હક્કમાં હિસ્સેદારી મળશે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં એક વર્ષ દરમિયાન 28 હજાર પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે અને આજે ગાંધીનગર જિલ્લાના લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું હાથોહાથ વિતરણ મહાનુભાવના હસ્તે પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, આગામી સમયમાં જિલ્લામાં ત્રણ લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડ ઇશ્યૂ કરવામાં આવશે. જેમાં 50 હજાર જેટલા પ્રોપર્ટી કાર્ડની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે બાળક માતાના ગર્ભમાં હોય ત્યાંથી લઈ માણસ સિનિયર સિટીઝન થાય ત્યાં સુધી ની યોજનાઓના લાભ સરકાર આપે છે, તેમાની જ એક એટલે સ્વામીત્વ યોજના છે.કલેક્ટરશ્રીએ સ્વામિત્વ યોજના વિશેની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, સ્વામિત્વ યોજનાના કારણે જમીન વિવાદોનું સમાધાન થશે. તેમ જ નાગરિકને સાચો માલિકી હક્ક મળશે. લાભાર્થી પોતાની મિલકતનો ઉપયોગ લોન મેળવવા તેમજ અન્ય આર્થિક લાભ મેળવવા કરી શકશે.
આ અવસરે વડાપ્રધાનશ્રીના વક્તવ્યનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતા અને નશામુક્તિ અંગેના સામૂહિક શપથ લેવામાં આવ્યાં હતાં. આ તકે માણસાના ધારાસભ્યશ્રી જે. એસ પટેલ, પ્રદેશ પ્રવક્તા શ્રી અનિલભાઈ પટેલ, દ ડી.આર.ડી.એ ડાયરેક્ટર શ્રી જિજ્ઞાસા વેગડા, મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી અને અધિકારીઓ પદાધિકારીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.