ગાંધીનગર જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
ગાંધીનગર જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે ૨૬મીએ યોજાનારા ભવ્ય ઉજવણી અંતર્ગત કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ કે. દવે ની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીઓની જાણકારી મેળવવા માટે આયોજન બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠક અંતર્ગત કલેકટરશ્રી મેહુલ કે. દવે દ્વારા જિલ્લાના તમામ અધિકારીઓ સાથે 26 મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત ભવ્ય આયોજન સંદર્ભે નાનામાં નાના મુદ્દે પણ ચર્ચા કરી, સફળ અને સુંદર આયોજન થાય તે અંગે ચોક્કસ માહિતી મંગાવી તૈયારીઓનું અવલોકન કરવામાં આવ્યું હતું.
આ બેઠક અંતર્ગત કલેકટરશ્રીએ ઉપસ્થિત સૌ વહીવટી તંત્રના અધિકારીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રભારી મંત્રીશ્રીની હાજરીમાં ગૌરવપૂર્ણ ઉજવણી થાય તે આપણા સૌની સહિયારી જવાબદારી છે, આ રાષ્ટ્રીય પર્વને પોતાના ઘરનો પ્રસંગ સમજી આ ભવ્ય ઉજવણીમાં સહપરિવાર ભાગીદાર થવા કલેક્ટરશ્રીએ વિનમ્રતાપૂર્વક સૌ ને અનુરોધ પણ કર્યો હતો. સાથે જ સ્ટાફની હાજરી, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ વગેરેની ચર્ચા કરી કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેની વિશેષ કાળજી રાખવા પણ કલેક્ટરશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કલેક્ટરશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ બોલાવે ને આવો એમ નહીં, રાષ્ટ્રપર્વામાં ઉમળકાભેર સામેલ થાવ અને ઘરમાં બેસી રાષ્ટ્ર પર્વ, બંધારણ અને મહામૂલી સ્વતંત્રતા ના કિસ્સાઓથી નવી પેઢીને માહિતગાર કરો, જેથી નવી પેઢી આ પર્વમાં મનથી દેશ પ્રેમ થકી જોડાય.
સાથે જ એમણે એમ પણ ઉમેરી હતું કે, મજબુત લોકશાહી અને સક્ષમ સમાજના નિર્માણ માટે નવી પેઢીના હૃદયમાં દેશભક્તિની જ્યોત જગાવવી જ પડશે, અને સ્વાતંત્ર્યતામાં આજે આપણે જે શ્વાસ લઈ રહ્યા છે, તેનું મૂલ્ય નવી પેઢીને સમજાવું પડશે. એટલે જ સ્વાતંત્રતા તથા બંધારણના મૂલ્યને સમજતા પ્રજાસત્તાક પર્વમાં સહભાગી થઈ શકીએ છીએ, તેને પણ ભગવાનના આશિષ માની રાષ્ટ્રીયપર્વમાં હાજરી આપવી એ આપણે સૌની નૈતિક ફરજ સમજી દેશની અને આ રાષ્ટ્ર પર્વની ગરિમાને ઉજાગર કરવાની છે.
26 જાન્યુઆરીના પર્વની પૂર્વ તૈયારી અંગેની આયોજન બેઠકમાં ગાંધીનગર કલેકટરશ્રી સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે. પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ ખાતાના અધિકારીઓ, પદાધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા.