નળ સરોવર જઈ રહેલા લોકો માટે મોટા સમાચાર
નળ સરોવર જઈ રહેલા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નળસરોવર પક્ષી અભ્યારણમાં તારીખ 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરવાની હોવાને લઈ આ અભ્યારણ બે દિવસ માટે મુલાકાતીઓ માટે બંધ રહેશે. 100 જેટલા પક્ષીવિદો, તજજ્ઞો અને સ્વયં સેવકો ૪૬ ઝોન પાડીને આ પ્રાથમિક પક્ષી ગણતરીમાં જોડાશે. નોંધનીય છે કે ઈકોલોજિકલ ઝોન સહિત કુલ 120.82 સ્ક્વેર કિ.મી વિસ્તારમાં પક્ષી ગણતરી કરાશે. વન્ય પ્રાણી સંરક્ષણ ધારા- 1972ની કલમ-28 તથા 33 થી મળેલ સત્તાથી આ બે દિવસ દરમિયાન નળ સરોવર પક્ષી અભ્યારણમાં પ્રવાસીઓ માટે ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત રાજ્ય દ્વારા જહેરનામાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ બે દિવસ દરમિયાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનિક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો. જયપાલસિંહ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.