બોરીજ પ્રાથમિક શાખા ખાતે ફર્સ્ટ એઈડ તાલીમ યોજાઈ
રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત શાળા સલામતી સપ્તાહ, સફળતાનાં નવાં જ શિખરો સર કરી રહ્યું છે. આ સપ્તાહ અંતર્ગત બોરીજની સરકારી પ્રાથમિક શાળા ખાતે આયોજિત ફર્સ્ટ એઈડ તાલીમ કાર્યક્રમમાં 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કેમ્પને સફળ બનાવ્યો હતો.
આ અંગેની અખબારી યાદીમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગર જિલ્લા શાખાના ચેરમેન જીલુભા ધાંધલે જણાવ્યું છે કે શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ગુરુવારે ફર્સ્ટ એઈડ તાલીમ કાર્યક્રમનું આયોજન બોરીજની સરકારી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. સંસ્થાની ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલની રાહબરી હેઠળ રાજ્યકક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા ફર્સ્ટ એઈડ ટ્રેનર તુષારભાઈ ઠક્કર અને ટીમ દ્વારા અસરકારક તાલીમ આ ઉપક્રમ હેઠળ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી તથા તેમના દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નીના સંતોષકારક જવાબો પણ પાઠવવામાં આવ્યા હતા.
શાળાના આચાર્ય કાશ્મીરાબેન વ્યાસ અને શિક્ષકોના પ્રભાવી આયોજન હેઠળ કુલ 302 વિદ્યાર્થીઓએ આ તાલીમ કાર્યક્રમનો લાભ લીધો હતો. ગાંધીનગર જિલ્લા રેડ ક્રોસના સભ્યો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.