ગુજરાતરાષ્ટ્રીય

મિની વેકેશન’ ઇફેક્ટ : વિમાની ભાડામાં અઢી ગણો વધારો

– સાપુતારા, માઉન્ટ આબુની હોટેલ ભાડાં બમણા કરાયા
– ગોવાનું વન-વે એરફેર વધીને રૃ. ૯,૫૦૦ પહોંચ્યું
અમદાવાદ, શુક્રવાર

આગામી બે સપ્તાહ દરમિયાન આવી રહેલા સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન બહાર ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોવ તો તમારે સામાન્ય દિવસોની સરખામણીએ બે થી અઢી ગણું એરફેર ચૂકવવું પડી શકે છે.

અમદાવાદથી ગોવાનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૃપિયા ૩૫૦૦થી ૪ હજાર હોય છે, જેની સામે શનિ-રવિ દરમિયાન વધીને ૯૫૦૦ થઇ ગયું છે.

આ ઉપરાંત અમદાવાદથી મુંબઇનું એરફેર રૃપિયા ૭૭૦૦ સુધી પહોંચી ગયું છે જ્યાં સામાન્ય દિવસોમાં એરફેર ૩૦૦૦ થી ૩૫૦૦ સુધી હોય છે. આ ઉપરાંત પૂણે જવા માટેનું એરફેર વધીને ૫૩૪૫ થી ૭૮૪૭ સુધી પહોંચી ગયું છે. ટ્રાવેલ એજન્ટના મતે આ ‘મિની વેકેશન ‘ દરમિયાન લાંબી મુસાફરી માટે ગોવા, મુંબઇ, પૂણે પ્રવાસીઓની પ્રથમ પસંદ હોય છે.

જોકે, મોટાભાગના પ્રવાસીઓ સાપુતારા, માઉન્ટ આબુ, દીવ, દ્વારકા, ઉદેપુર જેવા નજીકના સ્થળે જવા પર વધારે પસંદગી ઉતારતા હોય છે. લાંબી મુસાફરીમાં ઘણા પ્રવાસીઓ હવે મેંગલોર પાસે આવેલા ચિકમગલુર પર પણ પસંદગી ઉતારતા હોય છે. મુંબઇ-મેંગલોર વચ્ચે બે જ ફ્લાઇટ હોવાથી તેના એરફેરમાં પણ વધારો થયો છે.

આ ત્રણેય તહેવારો સપ્તાહના અંત દરમિયાન આવી રહ્યા હોવાથી આગામી બે સપ્તાહ દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળશે. જેના પગલે અનેક હોટેલોમાં પણ બમણો ભાવ કરી દેવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x