ગાંધીનગર

પ્રાકૃતિક ખેતીમાં જીવાત અને ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ ઉપાય એટલે દશપર્ણી અર્ક

રાજ્યમાં આગમી પાંચ વર્ષમાં સો ટકા પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા માટે મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્મન કર્યુ હતું. આ કડીના ભાગરુપે રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા છે.
પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી. પાકની વૃદ્ધિ માટે જરુરી ઈનપુટ (ખેત સામગ્રી) બહારથી ન લેતાં, પ્રાકૃતિક સામગ્રી દ્વારા ખેડૂત પોતે તે બનાવી શકે છે. પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આધાર સ્થંભ છે, જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક અસ્ત્રોનો સમાવેશ થાય છે. ખેતીલક્ષી રાસાયણિક દવાઓના ખર્ચમાંથી મુક્તિ અપાવતો ઉપાય એટલે દશપર્ણી અર્ક, જે ઘરબેઠાં તૈયાર કરી શકાય છે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ખેતરમાં પાક દરમિયાન ઉદ્દભવતી જીવાતોના નિયંત્રણ માટેના વિવિધ ઉપાયો પૈકી દશપર્ણી અર્ક એ રામબાણ ઈલાજ છે. દશપર્ણી અર્ક ખેડૂતો જાતે બનાવી અને તેના ઉપયોગ થકી બધા જ પ્રકારની જીવાત અને ફુગ પર નિયંત્રણ મેળવી શકાય છે.

દશપર્ણી અર્ક બનાવવાની રીત : પ્રથમ દિવસ : ૨૦ લીટર ગૌમૂત્ર તેમજ ર કિ.ગ્રા. તાજા છાણને ૨૦૦ લિટર પાણીમાં ઉમેરી લાકડીથી બે કલાક છાંયડામાં કોથળાથી ઢાંકવું. આ મિશ્રણમાં ૫૦૦ ગ્રામ હળદરની પાઉડર અને ૫૦૦ ગ્રામ આદુની ચટણી તથા ૧૦ ગ્રામ હિંગ પાવડર ઉમેરી આ મિશ્રણને હલાવી તેને આખી રાત કોથળાથી ઢાંકવું.

બીજો દિવસ : ઉપરોક્ત મિશ્રણમાં સવારે ૧ થી ૨ કિલો તીખા મરચાની ચટણી, ૫૦૦ ગ્રામ દેશી લસણની ચટણી, ૧ કિલોગ્રામ તમાકુ પાવડર નાખી લાકડીથી હલાવો અને આ મિશ્રણને કોથળાથી ઢાંકી દો.
ત્રીજો દિવસ : (અ) કડવા લીમડાના પાન સાથેની ડાળીઓની ચટણી, કરંજ, સીતાફળ, ધતુરો, એરંડા અને બિલિપત્ર આ ઉપરાંત (બ) નગોડ, તુલસીની માંજર સાથેના પાન અને ડાળીઓ, ગલગોટાનાં પંચાગ, કારેલા, બાવળના પૈડીયા, આંકડ, આંબા, જાસુદ, જામફળ, પપૈયા, હળદર, આદુ, કરેણ, દેશી રામ બાવળ, બોરડી, કુંવાડીયો, સરગવો, અર્જુન સાદડ, ઘા બાજરીયું (હાંડવેલ) અને ગળોની વેલના પાંદડા ઉપરોક્ત ‘અ’ માંથી કોઈપણ પાંચ અને ‘બ’ માંથી કોઈપણ પાંચ એમ કુલ દસ વનસ્પતિનાં પાંદડા દરેક વનસ્પતિના ૨ કિલોગ્રામ એટલે કે ૨૦ કિલોગ્રામ પાનની ચટણી બનાવી તેને બીજા દિવસે બનાવેલ મિશ્રણમાં ડુબાડો અને ત્રીસથી ચાલીસ દિવસ વરસાદ અને સૂર્યના તાપથી દુર રાખી રોજ ૫-૫ મિનિટ દિવસમાં બરાબર હલાવો.

ઉપયોગ : ૧૦૦ થી ૨૦૦ લીટર પાણીમાં ૬ થી ૮ લીટર દશપર્ણી અર્ક નાંખી તેને હલાવી સ્થિર થાય ત્યારે કપડાથી ગાળીને એક એકરમાં છંટકાવ કરવો, આ દશપર્ણી અર્ક છ મહિના સુધી વાપરી શકાય છે. ખાટી છાશ : સાતથી દશ દિવસની ૧૦ લીટર ખાટી છાશને ૨૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો, ખાટી છાશ એ ફુગનાશક, વિષાણુ નાશક, સંજીવક અને પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ભેજ સંગ્રહની ક્ષમતા વધે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી પ્રાકૃતિક ખેતી થઈ શકે છે. પાણી બચત સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x