દહેગામ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ની પરીક્ષા શરુ: મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓને પ્રવેશ
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો હતો. જિલ્લાના વિવિધ કેન્દ્રો પર વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપવા પહોંચ્યા હતા. દહેગામની મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં પણ પરીક્ષાનો શુભારંભ થયો, જ્યાં વિદ્યાર્થીઓને મીઠું મોં કરાવીને આવકારવામાં આવ્યા હતા. દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી સહિતના સ્થાનિક આગેવાનોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને નિડરતાથી પરીક્ષા આપવા અને શિક્ષણના મહત્વને સમજાવવા પર ભાર મૂક્યો હતો.
ગાંધીનગર જિલ્લામાં આ વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં અંદાજે 25,000 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જિલ્લા શિક્ષણ વિભાગે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી છે. દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, અને સુરક્ષા માટે પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, “અમે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવીએ છીએ અને તેઓ સફળતાપૂર્વક પરીક્ષા પૂર્ણ કરે તેવી આશા રાખીએ છીએ.”