આંબાના પાકને રોગ અને જીવાતથી બચવાના ઉપાયો
ગાંધીનગર
ફળ પાકોમાં આંબો અગત્યનો પાક છે. આંબા પાકમાં આવતા ભૂકીછારાનો રોગ અને ચુસિયા પ્રકારની જીવાત (મધિયો) ના ઉપદ્રવથી થતા નુકશાન અને તેના નિયંત્રણ કરવા જરૂરી પગલા જાણવા ખૂબ જરૂરી છે કે જેથી ખૂબ જ અસરકારક પરિણામો મેળવી શકાય.
ભૂકી છારો (પાવડરી મીલ્ડયુ)
આંબામાં ભૂકી છારો એક ખુબજ ગંભીર પ્રકારનો ફૂગથી થતો રોગ છે જે લગભગ બધી જ જાતોમાં જોવા મળે છે. આ રોગની તીવ્રતા મુખ્યત્વે વાતાવરણના પરિબળો પર આધાર રાખે છે. આ રોગની સીધી અસર કેરી બેસવાની તેમજ ફળોના વિકાસ પર અસર થાય છે.
રોગની ઓળખ
આ રોગ સામાન્ય રીતે ડીસેમ્બર થી માર્ચ મહિના દરમ્યાન જયારે આંબામાં મોર નીકળે છે ત્યારે જોવા મળે છે. રોગની શરૂઆતમાં મોરની દાંડી પર સફેદ છારીના ધાબા જોવા મળે છે જે પાછળથી બદામી રંગના થાય છે. આ રોગના આક્રમણથી ફલિનીકરણ થાય તે પહેલા અથવા તે પછી કૂમળો મોર સૂકાઈને ખરી પડે છે. અસરગ્રસ્ત મોરનો ભાગ સુકાઈને ભૂખરો થઈ જાય છે. રોગનું પ્રમાણ વધતા નાના ફળ, કૂમળા પાન તેમજ પર્ણદંડ પર છારી દેખાય છે.
સામાન્ય રીતે રોગનો પ્રભાવ આંબાના મોર પર વધુ જોવા મળે છે. પણ કેટલીક વખત નવા વિકાસ પામતા પાનની પાછળની બાજુએ સફેદ ફૂગની છારી જોવા મળે છે. રોગગ્રસ્ત પાન વિકૃત અને વળી ગયેલા જણાય છે આ રોગમાં મોર તેમજ નાના મરવા ખરી પડતા હોવાથી નુકશાન થાય છે.
સાનુકુળ પરિબળો
આ રોગને સુકું અને ઠંડુ વાતાવરણ ખૂબજ માફક આવે છે. સામાન્ય રીતે મોર ફૂટે ત્યારે ખાસ કરીને ડીસેમ્બર-જાન્યુઆરી માસમાં આવુ હવામાન હોય ત્યારે રોગનું આક્રમણ થાય છે અને તેનો ફેલાવો ઝડપી બને છે.