ગુજરાત

ગુજરાતમાં 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન: શહેરોને મળશે વધુ સુવિધાઓ

ગુજરાત સરકારે રાજ્યના શહેરી વિકાસને વધુ ગતિ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની કુલ ૬૯ નગરપાલિકાઓને અપગ્રેડ કરવામાં આવી છે, જેનાથી શહેરીજનોને વધુ સારી સુવિધાઓ મળી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતની વિકાસયાત્રાને અગ્રેસર રાખવાની પ્રતિબદ્ધતા સાથે આ નિર્ણય લીધો છે. આ અપગ્રેડેશનના પરિણામે, રાજ્યમાં અ-વર્ગની નગરપાલિકાઓમાં ૨૧, બ-વર્ગમાં ૨૨ અને ક-વર્ગમાં ૨૬ નગરપાલિકાઓનો ઉમેરો થયો છે. ખાસ વાત એ છે કે,
ખંભાળીયા, લુણાવાડા, મોડાસા, વ્યારા, છોટા ઉદેપુર, દાહોદ અને રાજપીપળા જેવા ૭ જિલ્લા મથકો અને દ્વારકા, પાલીતાણા, ચોટીલા અને ડાકોર જેવા ૪ યાત્રાધામોને અ-વર્ગમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતા વડનગરનો પણ અ-વર્ગની નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ અપગ્રેડેશનથી નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. ૪૬૭.૫ કરોડની વધારાની ગ્રાન્ટ મળશે. અ-વર્ગની નગરપાલિકાઓને અંદાજે રૂ. ૨૮ કરોડ, બ-વર્ગની નગરપાલિકાઓને રૂ. ૨૨ કરોડ અને ક-વર્ગની નગરપાલિકાઓને રૂ. ૧૫.૫ કરોડની ગ્રાન્ટ મળશે. આ ગ્રાન્ટનો ઉપયોગ આંતરમાળખાકીય વિકાસ, આઉટગ્રોથ વિસ્તારના કામો, આગવી ઓળખના કામો અને નગર સેવાસદનના કામો માટે કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x