પોષકતત્ત્વોથી ભરપૂર મીલેટ્સ કેમ ખાવા જોઈએ? ચાલો જાણીએ…
અંગ્રેજીમાં મીલેટ્સ તરીકે જાણીતા હલકાં ધાન્ય /તૃણ ધાન્ય /બરછટ ધાન્ય પાકો સૌથી મહત્વપૂર્ણ અનાજ તરીકે ઓળખાય છે. હલકાં ધાન્ય પાકો પરંપરાગત અનાજ છે, જે ૪૦૦૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી ભારતીય ઉપખંડમાં ઉગાડવામાં અને ખોરાક તરીકે લેવામાં આવે છે. યજુર્વેદના જૂના પ્રાચીન ગ્રંથોમાં હલકાં ધાન્ય પાકોના સંદર્ભો જોવા મળે છે, જ્યાં કાંગ (પ્રિયાંગવા), બંટી (આનાવા) અને કાળી નાગલીનો સંદર્ભ(શ્યામકા) નો ઉલ્લેખ જોવા મળે છે.
મોટાભાગનાં હલકાં ધાન્યો મૂળ ભારતના છે અને લોકપ્રિય છે, પોષક-અનાજ તરીકે તેઓ માનવ શરીરની સામાન્ય કામગીરી માટે જરૂરી મોટાભાગના તમામ પોષકતત્વો પૂરા પાડે છે. હલકાં ધાન્યોમાં મુખ્યત્યે જુવાર, બાજરી, નાગલી, વરી, કોદરા, બંટી, ચીણો અને કાંગનો સમાવેશ થાય છે. જે માનવજાત માટે સૌથી જૂના ખોરાક તરીકે જાણીતા છે.
૫૦ વર્ષ પહેલા સુધી ભારતીયોના આહારમાં હલકાં ધાન્યો મુખ્ય ખોરાક તરીકે ઉપયોગ થતો હતો, તેમજ સ્થાનિક ખાધ સંસ્કૃતિઓ અને પરંપરાઓનો અભિન્ન ભાગ હતો. પરંતુ હાલમાં હલકાં ધાન્ય પાકોનુ ઉત્પાદન પાછળના ઘણા સમયથી ઓછું જોવા મળે છે.
ભારતમાં હરિયાળી ક્રાંતિ પહેલાં મોટી માત્રામાં હલકા ધાન્યો ઉગાડવામાં આવતા હતા. પરંતુ હરિત ક્રાંતિની શરૂઆત એટલે કે વર્ષ ૧૯૬૫-૧૯૭૦ પછી ઘંઉ અને ચોખાના વ્યાપક ઉત્પાદનની સામે મીલેટ્સનો વાવેતર વિસ્તાર ઘટતો ગયો અને માનવીના આહારમાં ઘઉં અને ચોખાએ અગ્રિમ સ્થાન મેળવી લીધું.
સામાજીક-આર્થિક દ્રષ્ટીએ મીલેટ્સના ફાયદાઓ
અન્ય લોકપ્રિય અનાજની સરખામણીમાં હલકાં ધાન્યો વરસાદ આધારિત અને સખત અનાજ છે, જેને ઓછા પાણી અને ખાતરની જરૂર પડે છે. હલકાં ધાન્યો ભારતીય આહારમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે કારણ કે તેઓ તુલનાત્મક રીતે સસ્તા છે, તેઓ વિષમ આબોહવાની પરિસ્થિતિઓ માટે અત્યંત પ્રતિરોધક છે, સરળતાથી બગડતાં નથી અને ખાધ સુરક્ષા અને દેશની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પોષકતત્વોથી ભરપુર હલકાં ધાન્યો
હલકાં ધાન્યો એ ડાયેટરી ફાઈબર (રેસા) અને પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે. હલકાં ધાન્યો એ એવા પ્રકારનો ખોરાક છે જે એસિડ બનાવતા નથી, સેલિયાક પીડિતો માટે, ઘઉં અથવા અન્ય અનાજ કે જેમાં ગ્લુટેન હોય છે તેની જગ્યાએ હલકાં ધાન્યોનો ઉપયોગ કરી શકાય છે કારણ કે, તેમાં ગ્લુટેન હોતું નથી. હલકાં ધાન્યો આંતરડાને જલયોજિત (હાઇડ્રેટ) કરીને કબજિયાત ટાળવામાં મદદ કરે છે.
મિલેટ્સના સ્વાસ્થ્ય માટે ફાયદા
હલકાં ધાન્યોમાં ઉચ્ચ એન્ટિઑકિસડન્ટ ગુણધર્મો રહેલા છે. હલકાં ધાન્યો ફોસ્ફરસ, મેગ્નેશિય અને આર્યન જેવા પોષકતત્વોનો ભંડાર છે. હલકાં ધાન્યોનું સેવન સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. તેનુ સેવન હૃદય રોગનું જોખમ ઘટાડે છે, ડાયાબિટીસથી બચાવે છે, પાચનતંત્ર સુધારે છે. કેન્સરનું જોખમ ઘટાડે છે. શરીરને ડિટોક્સિફાય કરે છે. સ્વાસ્થ્યમાં એનર્જી લેવલ વધારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તથા હલકાં ધાન્યોમાં રહેલું ફાઈબર કબજિયાત, અતિશય ગેસ, પેટનું ફૂલવું અને ખેંચાણ જેવી વિકૃતિઓને દૂર કરવામાં મદદ કરે છે.
હલકા ધાન્યોનાં મહત્વને સમજીને તેનુ ઉત્પાદન અને ઉપભોગ વધારવા માટે ભારત સરકારની ભલામણ ઉપર યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ ૨૦૨૩ને “આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ” જાહેર કરવામાં આવ્યુ છે.
(આણંદ કૃષિ યુનિવર્સિટીના સૌજન્ય થી)