અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 9 એપ્રિલે યોજાશે, 8 એપ્રિલે CWC બેઠક
આગામી 8 અને 9 એપ્રિલના રોજ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના બનવા જઈ રહી છે. ગુજરાતની ધરતી પર 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે, જેમાં દેશભરમાંથી 3000થી વધુ કોંગ્રેસના નેતાઓ હાજરી આપશે. 8 એપ્રિલના રોજ શાહીબાગ સ્થિત સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ભવનમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક બાદ સાંજે તમામ નેતાઓ સાબરમતી આશ્રમ ખાતે ભજન સંધ્યા અને પ્રાર્થનામાં સામેલ થશે. ત્યારબાદ 9 એપ્રિલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસનું ભવ્ય રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. આ અધિવેશન દ્વારા કોંગ્રેસ ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. ગુજરાતમાં હજુ પણ કોંગ્રેસનો મજબૂત વોટબેઝ છે અને આ અધિવેશન દ્વારા પાર્ટી ગુજરાતની જનતાને પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કરશે. કોંગ્રેસ ગુજરાતમાં ફરીથી સત્તા પર આવવા માટે પોતાના પ્રયાસોને વેગ આપવા માંગે છે અને આ અધિવેશન એ દિશામાં એક મહત્વનું પગલું સાબિત થશે.