જન્મ અને મરણની નોંધણીના દરમાં ધરખમ વધારો
રાજ્ય સરકારે ગેઝેટમાં જાહેરનામું બહાર પાડ્યા બાદ મ્યુનિસિપલ હેલ્થ કમિટીએ જન્મ અને મરણની નોંધણી કરાવવાના દરોમાં મોટો વધારો કર્યો છે. મ્યુનિસિપલ બોર્ડની મંજૂરીની અપેક્ષાએ આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.અત્યાર સુધી જન્મ અને મરણની નોંધણી માટે માત્ર બે રૂપિયા લેવામાં આવતા હતા, પરંતુ હવેથી તેના માટે વીસ રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે જ, ત્રીસ દિવસથી એક વર્ષ સુધીના વિલંબ સાથે નોંધણી કરાવવા માટે પાંચ રૂપિયાનો ચાર્જ હતો, જે હવે વધીને પચાસ રૂપિયા કરવામાં આવ્યો છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા ગુજરાત બર્થ એન્ડ ડેથ રજીસ્ટ્રેશન એક્ટ-2018માં કરવામાં આવેલા સુધારાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જન્મ-મરણની નોંધણી, રેકર્ડ ચકાસણી અને નો-રેકર્ડ સર્ટિફિકેટ આપવાના દરોમાં આ વધારો કરવામાં આવ્યો છે. આ નવા દરોમાં એકસાથે 1000 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.