સચિવાલય જીમખાનાના ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ચમક્યા, ટેનિસમાં મેડલ મેળવ્યા!
ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને રમત ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના બાળકો- યુવાનોમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ આવે અને તેમાં સહભાગીતા વધે તેવા ઉમદા હેતુથી રાજ્યમાં વર્ષોથી ખેલ મહાકુંભ યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે ગાંધીનગર સેક્ટર-૨૧ જીમખાનામાં રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ 3.0 લોન ટેનિસનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રસ ધરાવતા મોટી સંખ્યામાં કર્મયોગી- ખેલાડીઓએ લોન ટેનિસમાં ભાગ લીધો હતો તેમ,સ્પોર્ટ્સ ઓથોરેટી ઓફ ગુજરાતની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ 3.0 લોન ટેનિસની સ્પર્ધામાં ગાંધીનગરમાં સચિવાલય જીમખાનાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિવિધ મેડલ હાંસલ કર્યા હતા. જેમાં લોન ટેનિસ રમતમાં ૪૦ વર્ષ વય જૂથ સિંગલ્સની શ્રેણીમાં શ્રી રવિરાજ જાડેજાએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. આ ઉપરાંત લોન ટેનિસ રમતમાં ૬૦ વર્ષ વયજૂથ સિંગલ્સની શ્રેણીમાં શ્રી એચ. ડી. સેઇલર બ્રોન્ઝ મેડલ અને લોન ટેનિસ રમતમાં ૬૦ વર્ષ વયજૂથ ડબલ્સની શ્રેણીમાં શ્રી શીરીસ સુતરીયા અને શ્રી હેમંત વ્યાસે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.