મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સર્વાસમાવેશી-પારદર્શી વહીવટનો અનોખો અભિગમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગુડ ગવર્નન્સને વધુ વેગ આપવા રાજ્ય સરકારના વહીવટમાં નાગરિકોના અભિપ્રાયથી વધુ સારા વહીવટ તરફ આગળ વધવા માટે સર્વાસમાવેશી-પારદર્શી વહીવટનો અનોખો અભિગમ અપનાવ્યો છે. રાજ્યની સરકારી કચેરીઓમાં વર્ક કલ્ચરને વધુ ગતિશીલ બનાવવા તથા વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકારે તાજેતરમાં જ ડો. હસમુખ અઢિયાના અધ્યક્ષ સ્થાને ‘ગુજરાત વહીવટી સુધારણા પંચ’ (GARC)ની રચના કરી છે અને આ પંચ સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે. આ પંચે માત્ર એક જ મહિનામાં પોતાનો પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને તાજેતરમાં સુપરત કર્યો છે.
રાજ્યના નાગરિકો આ નવરચિત ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની વેબસાઈટ પર સૂચનો મોકલી શકે અને સરકારમાં વહીવટી સુધારણાના ઉદ્દેશ્યને વધુ સારી રીતે સાકાર કરી શકાય તે માટે લોકો પાસેથી અભિપ્રાય-સૂચનો મંગાવવામાં આવ્યા છે. GARCની વેબસાઈટ લિંક https://garcguj.in/suggestion પર રાજ્યના નાગરિકો પોતાના સૂચનો-અભિપ્રાય મોકલી શકશે. વહીવટી સુધારણા પ્રક્રિયામાં નાગરિકોની સહભાગિતા પ્રેરિત કરવા તેમના સૂચનો અને સુઝાવો મંગાવવાનો આ અભિગમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના “લોકોના, લોકો દ્વારા ચાલતા, લોકો માટેના” ગુડ ગવર્નન્સની વિભાવના વધુ પ્રબળ બનાવવામાં ઉપયોગી નિવડશે.