જામનગરના સુમરા ગામમાં પરિવારના 5 સભ્યોનો સામૂહિક આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. એક માતાએ અગમ્ય કારણોસર પોતાના ચાર બાળકો સાથે ગામના જ કૂવામાં કૂદીને સામૂહિક આપઘાત કર્યો છે. આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. કૂવામાંથી માતા અને તેના ચાર બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ ભાનુબેન ટોરીયા (ઉંમર 32), આયુષ ટોરીયા (ઉંમર 10), આનંદી ટોરીયા (ઉંમર 4), અંજુ ટોરીયા (ઉંમર 8) અને ઋત્વિક ટોરીયા (ઉંમર 3) તરીકે થઈ છે. પોલીસે હાલમાં આ દુ:ખદ ઘટના પાછળના કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે.