ટેરિફ વોર ભડક્યો: અમેરિકા- ચીન આમને – સામને
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલો ટેરિફ યુદ્ધ વધુ વકરી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને આપેલી ચેતવણીના પગલે વ્હાઇટ હાઉસે ચીની વસ્તુઓ પર વધુ 50 ટકા ટેરિફ લાદવાની વાતને સમર્થન આપ્યું છે. આ નવો ટેરિફ 9 એપ્રિલથી લાગુ થશે, જેના કારણે ચીની આયાતો પર કુલ ટેરિફ 104 ટકા સુધી પહોંચી જશે.
ટ્રમ્પે અગાઉ ચીન સહિત 180 દેશો પર ટેરિફ લાદ્યો હતો, જેના જવાબમાં ચીને અમેરિકાની વસ્તુઓ પર 34 ટકા વળતો ટેરિફ લગાવ્યો હતો. ટ્રમ્પે ચીનને ટેરિફ પાછો ખેંચવા અલ્ટીમેટમ આપ્યું હતું, જે ન માનતા હવે વધુ કડક પગલું ભરવામાં આવ્યું છે. તેમણે ચીન સાથેની કોઈપણ પ્રસ્તાવિત બેઠક પણ તાત્કાલિક અસરથી રદ કરવાની ચેતવણી આપી છે.
ચીને અમેરિકાના આ પગલાંને બ્લેકમેલ ગણાવીને અંત સુધી લડવાની પ્રતિજ્ઞા લીધી છે. ચીનના વિદેશ અને વેપાર મંત્રાલયોએ અમેરિકાની આક્રમક નીતિની ટીકા કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ દબાણ સામે ઝૂકશે નહીં તથા પોતાના હિતોનું રક્ષણ કરશે. નિષ્ણાતોના મતે આ ટેરિફ વોરથી વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધી શકે છે.