ગાંધીનગરગુજરાત

સરઢવ ગામે ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રાજ્યપાલ દેવવ્રત રહ્યા હાજર 

ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામની પાવન ભૂમિ પર નિર્મિત ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ  પશુપાલકો અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ સમગ્ર ગામજનોને શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે, ભારત દેશ સંતો, મહાત્માઓ, ઋષિ-મુનિઓ અને તપસ્વીઓની ભૂમિ રહી છે. આ ભૂમિ આધ્યાત્મિક જાગૃતિ, સહિષ્ણુતા, ભાઈચારો અને સાંસ્કૃતિક મૂલ્યોની પરંપરાનું પ્રતિક રહી છે. ગુજરાત સહિત સમગ્ર ભારતે સદૈવ સમગ્ર વિશ્વને આધ્યાત્મિક અને માનવીય દિશામાં માર્ગદર્શન આપ્યું છે. શ્રી ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કૃષિ સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.

પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, વેદોમાં કહેવામાં આવ્યું છે, પરમાત્મા એક છે, પરંતુ આપણે વિવિધ રૂપ અને નામથી પૂજતા હોઈએ છીએ. એ ભારતની વિશેષતા છે કે, અહીં માત્ર દેવી-દેવતાઓ જ નહીં પરંતુ દરેક જીવજંતુ, નદીઓ, વૃક્ષો અને પ્રાણીઓમાં પણ દિવ્યતાનું અસ્તિત્વ માનવામાં આવે છે. તેમણે ગોગા મહારાજ ધામને યુવાપેઢી માટે આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર ગણાવ્યું અને જણાવ્યું કે, આવા પ્રસંગોથી ધર્મભાવનાનું જાગરણ તો થાય છે સાથે સાથે આપણા ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું પણ સંવર્ધન પણ થાય છે.

પશુપાલકો અને ખેડૂતોને પોતાના પશુપાલન અને પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો જણાવતાં  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, તેઓ પોતે પણ ખેડૂત છે અને આજે પણ તેમણે પ્રાકૃતિક ખેતી તથા ગૌપાલનની જીવન શૈલી અપનાવી છે. તેમણે પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકતાં કહ્યું કે, ઘણા ખેડૂતોમાં ગેરસમજણ છે કે, પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઓછું થાય છે. જ્યારે કે એ પૂર્ણપણે ખોટી માન્યતા છે.

ભારત સરકારના રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની સરાહના કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોની પીડા અને જાહેર સ્વાસ્થ્ય સામેના પડકારોને સમજીને પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે. આજે ગુજરાતના સાડાનવ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે, આ એક ક્રાંતિ છે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે બહારથી કશુ લાવવાની જરૂર નથી. દેશી ગાયના ગોબર-ગૌમૂત્ર દ્વારા બનેલા જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત તથા આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ, આ પાંચ આયામો પ્રાકૃતિક ખેતીના પાયા છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જમીનને ઊપજાઉ બનાવે છે, પાકને શુદ્ધ-ગુણવત્તા યુક્ત બનાવે છે અને આરોગ્ય પણ શ્રેષ્ઠ બનાવે છે.

રાજ્યપાલશ્રીએ સૌ ગામજનોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા, પોતાની જમીન તથા પરિવારને સુરક્ષિત બનાવવા અને આવનારી પેઢી માટે એક સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા આહવાન કર્યું હતું. તેમણે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને અપીલ કરી કે તેઓ ગોગા મહારાજના ચરણોમાં સંકલ્પ લે કે, તેઓ હવે પ્રાકૃતિક ખેતી અપનાવશે, એક દેશી ગાય પાડશે અને  રાસાયણિક ખેતી કરીને પ્રાણ લેનારા નહીં, પણ પ્રાકૃતિક ખેતી કરીને પ્રાણ આપનારા બનશે.

બાળકોના સંસ્કાર અને શિક્ષણની વિષે વાત કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં સૌથી મોટી મૂડી છે સંસ્કારવાન સંતાન. જો બાળકોને યોગ્ય શિક્ષણ, સદવિચાર અને પોષણ મળશે તો તેઓ દેશ માટે અમુલ્ય સંપત્તિ સાબિત થશે. તેમણે ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરે સૌના શાંતિમય અને સમૃદ્ધ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે ગ્રામવાસીઓને ગોગા મહારાજ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, સંતો મહંતો અને ધર્મ વ્યક્તિ નિર્માણનું કાર્ય કરે છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશને સ્વચ્છ બનાવવા – સ્વચ્છતા હી સેવા, વૃક્ષનું જતન થાય તે માટે – એક પેડ માં કે નામ, દેશના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા – વિકાસ ભી વિરાસત ભી, શિક્ષણના સ્તરની ઊંચું લાવવા – નવી શિક્ષણ નીતિ 2020, તેમજ વીજળી બચાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે નવતર અભિયાનો ચલાવ્યા છે. મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રવ્રતજી લોકોના આરોગ્ય અને પ્રકૃતિના જતન માટે સતત પ્રાકૃતિક કૃષિ અંગેનો પ્રચાર કરી રહ્યા છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાજ્યપાલ શ્રી રાજ્યભરમાં ખેડૂતો સાથે સતત કાર્યક્રમમાં હાજર રહી ખેડૂતોને માર્ગદર્શન આપીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરે છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, પૂર્વ સહકારી મંત્રી શ્રી વાડીભાઈ પટેલ, સરઢવ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કિરીટભાઈ પટેલ, ધર્મ ગુરુ ગાદી, ટીંટોડાના મહંત શ્રી લખીરામજી બાપુ, ગોગાધામ સરઢવના શ્રી લાલજીભાઈ રબારી સહિતના મહાનુભાવો, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x