રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર અવેરનેસ અભિયાન કલોલ APMC ખાતે યોજાયું
ગુજરાત રોડ સેફટી ઓથોરીટી દ્વારા APMC કલોલ ખાતે “રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર અવેરનેસ કેમ્પેઇન” નું આયોજન રોડ સેફટી કમિશ્નરશ્રી એસ. એ. પટેલની અધ્યક્ષતામાં તથા શ્રી વિ.પી.પટણી (ઓ.એસ.ડી.,વાહન વ્યવહાર કમિશ્નર શ્રી ની કચેરી) , સુ.શ્રી અર્પિતા પટેલ (એસ.પી., સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ) ની પ્રેરક ઉપસ્થિતિ માં સફળતાપૂર્વક કરવામાં આવ્યું. ગુજરાત રોડ સેફટી ઓથોરીટી, પોલીસ અને RTOના સંયુક્ત ઉપક્રમે તથા APMCના સહયોગથી APMC કલોલ ખાતે આવતા ટ્રેક્ટરો, ઊંટગાડીઓ તથા અન્ય વાહનો પર રેડિયમ/રિફ્લેક્ટર લગાડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે માનવજીવન બચાવવાની દિશામાં એક અનોખી શરૂઆત છે.
શ્રી એસ.એ. પટેલ, કમિશ્નર – ગુજરાત રોડ સેફટી ઓથોરીટી દ્વારા જણાવવામાં આવ્યું કે, વર્તમાન સમયમાં દેશમાં રોડ અકસ્માતોને નાગરિકો સામાન્ય ઘટના તરીકે લે છે, જ્યારે તે સામાન્ય બેદરકારીના પરિણામે ગંભીર ઈજા કે મૃત્યુ સુધી પહોંચે છે. તેમણે ખાસ કરીને સામાન્ય પણ ખુબ જ જરૂરી એવી બાબત જેમ કે વાહન પર લગાડવામાં આવતું રેડિયમ/રિફ્લેક્ટરનું મહત્વ દર્શાવતાં કહ્યું કે, રેડિયમથી અમૂલ્ય માનવજીવ બચી શકે છે.વધુ માં તેમણે જણાવ્યું કે ભારતમાં દર વર્ષે અંદાજિત 1,80,000 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે, જે કલોલ જિલ્લાની વસ્તી કરતાં બમણું છે. ભારત દુનિયામાં માર્ગ અકસ્માત અને તેનાં કારણે મૃત્યુના મામલે પ્રથમ ક્રમે છે, જેને ધ્યાનમાં લેતાં જનજાગૃતિ ખૂબ આવશ્યક છે.
આ અભિયાન અંતર્ગત આગામી એક અઠવાડિયા સુધી APMC ખાતે આવતા દરેક વાહન પર રેડિયમ / રિફ્લેક્ટર ટેપ લગાવાશે. તેમણે લોકોને સૂચવ્યું કે માત્ર એક નાગરિક અકસ્માતમાં ગુમાવવો એ દેશ માટે પણ મોટું નુકસાન છે, જેના કારણે દેશની GDP પર 3% સુધી નુકશાન જેવી માઠી અસર પડે છે.આ ઉપરાંત, તેમને જણાવ્યું કે ૨-વ્હીલર અકસ્માતોની સંખ્યા દેશના કુલ અકસ્માતોની અંદાજે 50% હોય છે, જેમાં મુખ્ય કારણો હેલ્મેટ નહીં પહેરવું,ઓવર સ્પીડ,વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ,રોંગ સાઈડ ડ્રાઇવિંગ જેવા છેજે બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યા. સુ.શ્રી અર્પિતા પટેલ, એસ.પી. – સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા APMC ખાતે યોજાયેલ રોડ સલામતી કાર્યક્રમમાં જણાવ્યું કે, ખાસ કરીને ખેડૂત મિત્રો જે શાકભાજી, ખેત પેદાશો કે લાકડાઓ સાથે વાહનો ચલાવે છે તે રેડિયમ અંગે અજાગૃત હોય છે. તેમણે જણાવ્યું કે વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન આવા વાહનોની અવરજવર વધારે રહેતી હોઈ જેને કારણે અકસ્માત થવાની સંભાવના ખુબ જ વધી જાય છે.
ગુજરાત પોલીસ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે, ઓવરલોડ વાહનો ચલાવવાનું ટાળવું અને વાહનમાં રિફ્લેક્ટર ટેપ/રેડિયમ લગાવવાનું અનિવાર્ય કરવું જોઈએ, જેથી અકસ્માતો ટાળવામાં સહાય મળે. APMC ખાતે આવેલા વાહનો પર રેડિયમ/રિફ્લેક્ટર લગાવી દરેક નાગરિકે એક જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવવી જોઈએ અને અકસ્માત અટકાવામાં સહયોગ આપવો જોઈએ, એવી સ્પષ્ટ અપેક્ષા તેમણે વ્યક્ત કરી. શ્રી વી.પી. પટણી (ઓ.એસ.ડી., વાહન વ્યવહાર કમિશ્નર શ્રી ની કચેરી) દ્વારા જણાવવામાં આવ્યું કે માનવજીવનને સુરક્ષિત બનાવવાનો સરકારનો ઉદ્દેશ છે અને તે દિશામાં કલોલ તાલુકાના નાગરિકોના માર્ગ સલામતા માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે, ખાસ કરીને ખેતી સાથે સંકળાયેલા વાહનો જેમ કે ટ્રેક્ટરો તથા અન્ય પરિવહન માટે વપરાતી વાહનોના પાછળના ભાગે રિફ્લેક્ટર ટેપ/રેડિયમ લગાવવું અત્યંત જરૂરી છે, જેથી રાત્રિના અથવા ઓછા પ્રકાશના સમયમાં આવા વાહનો સ્પષ્ટ જોઈ શકાય અને અકસ્માતના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય. આ પ્રસંગે શ્રી પરીન પટેલ(ચેરમેન,APMC-કલોલ),શ્રી રમતુજી ઠાકોર(વા.ચેરમેન, APMC-કલોલ),શ્રી નવીનચંદ્ર પટેલ (ડીરેક્ટર, , APMC-કલોલ ),શ્રી જગદીશ પટેલ (સેક્રેટરી, APMC-કલોલ ), શ્રી રમણ પટેલ(વ્યાપારી પ્રતિનિધિ) શ્રી ડી.બી.વણકર (ARTO,ગાંધીનગર), શ્રી.એચ.જી.દેસાઈ(પી.આઈ.,કલોલ),સહિત સ્થાનિક વ્યાપારીઓ, ડ્રાઈવર સમુદાય, ખેડૂતો તેમજ ખેતીવાડીના વાહન વ્યવહાર સાથે સંકળાયેલા નાગરિકો હાજર રહ્યા હતાં.